રવિવારે 2019ના વર્લ્ડ કપની સૌથી હાઇ વોલ્ટેજ ગણાતી મેચમાં ભારતીય ટીમે રોહિત શર્માની જારદાર સદી, વિરાટ કોહલી અને કેઍલ રાહુલની અર્ધસદીના પ્રતાપે પાકિસ્તાનને 337 રનનો લક્ષ્યાંક આપ્યા પછી પાકિસ્તાની ઇનિંગની 35 ઓવર પછી વરસાદે ફરી વિઘ્ન નાંખ્યું હતું અને તે પછી ડકવર્થ લુઇસ નિયમ અનુસાર પાકિસ્તાનને 40 ઓવરમાં 302 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, મતલબ કે પાકિસ્તાને 5 ઓવરમાં 136 રન કરવાના આવ્યા હતા. જેની સામે ઇમાદ વસિમ અને શાદાબે 46 રન જાડતા અંતે ભારતનો 89 રને વિજય થયો હતો.
ભારત તરફથી વર્લ્ડકપની બીજી અને કેરિયરની ૨૪મી સદી ફટકારનાર રોહિત શર્માને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો
પાકિસ્તાને ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યા પછી રોહિત શર્મા અને કેઍલ રાહુલની નવી ઓપનીંગ જોડીઍ ભારતીય ટીમને જારદાર શરૂઆત અપાવીને પહેલી વિકેટની 136 રનની ભાગીદારી કરી હતી. રાહુલ અંગત 57 રન કરીને આઉટ થયો તે પછી રોહિતે કેપ્ટન વિરાટ કોહલી સાથે 98 રનની ઝડપી ભાગીદારી કરી હતી. આ દરમિયાન રોહિતે 85 બોલમાં પોતાની સદી પુરી કરીને વર્લ્ડ કપની પોતાની બીજી અને વનડે કેરિયરની 24મી સદી ફટકારી હતી. તે અંગત 140રન કરીને આઉટ થયો હતો. વિરાટે 51 બોલમાં પોતાની 51મી અર્ધસદી પુરી કરી હતી, સાથે જ તેણે વન ડે કેરિયરન 11,000 રન પણ પુરા કર્યા હતા. તેણે હાર્દિક પંડ્યા સાથેમ 51 રનની ભાગીદારી કરી હતી. હાર્દિક ૧૯ બોલમાં ૨૬ રન કરીને આઉટ થયો હતો. ૪૬.૪ ઓવર થઇ હતી ત્યારે વરસાદે વિઘ્ન નાંખ્યું હતું, તે સમયે ભારતીય ટીમનો સ્કોર ૪ વિકેટે ૩૦૫ રન હતો. અને ૫૦ ઓવરના અંતે ભારતીય ટીમે ૫ વિકેટે ૩૩૬ રન કર્યા હતા.
પાકિસ્તાને 35 ઓવરમાં 166 રન બનાવ્યા હતા ત્યારે વરસાદ પડતાં તેમણે 5 ઓવરમાં 136 રન કરવાના આવ્યા
૩૨૭ રનના લક્ષ્યાંક સામે પાકિસ્તાનની શરૂઆત ખરાબ રહી હતી અને માત્ર 13 રનના સ્કોર પર ઇમામ ઉલ હકની વિકેટ તેમણે ગુમાવી હતી. પાકિસ્તાની ઇનિંગની પાંચમી ઓવરના ચોથા બોલે ભારતીય બોલર ભુવનેશ્વર કુમારને હેમસ્ટ્રીંગ ઇન્જરી થતાં તે મેદાન બહાર ચાલ્યો ગયો હતો અને તેની ઓવરના બાકીના બે બોલ પુરા કરવા માટે આવેલા વિજય શંકરે પહેલા બોલે જ ઇમામને લેગ બિફોર આઉટ કરીને ભારતને પ્રથમ બ્રેકથ્રુ અપાવ્યો હતો. ફખર ઝમાન અને બાબર આઝમે તે પછી ધીમી પણ મક્કમ રમત બતાવીને બીજી વિકેટની ભાગીદારીમાં 104 રન જોડ્યા હતા, ફખરે અર્ધસદી પુરી કરી હતી. 24મી ઓવરના છેલ્લા બોલે કુલદીપે બાબરને અંગત 48 રને બોલ્ડ કર્યો હતો અને તે પછી 26મી ઓવરના બીજા બોલે ફખરને અંગત 62 રને ચહલના હાથમાં ઝીલાવીને ભારતને ડબલ બ્રેક થ્રુ અપાવ્યો હતો. હાર્દિક પંડ્યાઍ તે પછી પોતાની ઓવરના છેલ્લા બે બોલમાં હાફિઝ અને શોઍબ મલિકને આઉટ કરતાં ભારતીય ટીમની જીત નક્કી થઇ ગઇ હતી. વિજય શંકરે તે પછી સરફરાઝ અહેમદને આઉટ કર્યો ત્યારે પાકિસ્તાનનો સ્કોર 6 વિકેટે 165 રન હતો અને તે પછી ફરી વરસાદે વિઘ્ન નાંખ્યું હતું. રમત ફરી શરૂ થઇ ત્યારે ડકવર્થ લુઇસ નિયમ પ્રમાણે પાકિસ્તાનને 40 ઓવરમાં 302 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. મતલબ કે પાકિસ્તાને 5 ઓવરમાં 136 રન કરવાના આવ્યા હતા. જેની સામે પાકિસ્તાન વતી ઇમાદ વસીમ અને શાદાબ ખાને મળીને 5 ઓવરમાં 46 રનની ભાગીદારી કરી સ્કોર 6 વિકેટે 212 રન સુધી પહોંચાડ્યો હતો અને ભારત આ મેચ 89 રને જીતી ગયું હતું.