મોહાલીમાં રમાયેલી બીજી ટી-20માં દક્ષિણ આફ્રિકાએ કેપ્ટન ક્વન્ટોન ડિ કોકની અર્ધસદી અને ટેમ્બા બાવુમાની 49 રનની ઇનિંગની મદદથી નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટે 149 રન બનાવીને મુકેલા 150 રનના લક્ષ્યાંકને ભારતે કેપ્ટન કોહલીની નોટઆઉટ અર્ધસદી અને શિખર ધવનની 40 રનની ઇનિંગની મદદથી 3 વિકેટના ભોગે વટાવી લઇને 7 વિકેટે વિજય મેળવ્યો હતો.
ભારત વતી કેપ્ટન કોહલીએ નોટઆઉટ 72 રનની જ્યારે શિખર ધવને 40 રનની ઇનિંગ રમી
150 રનના લક્ષ્યાંક સામે ભારતે દાવની શરૂઆત કરી પછી રોહિત શર્મા માત્ર 12 રન કરીને આઉટ થયો હતો. જો કે તે પછી શિખર ધવન સાથે જોડાયેલા કેપ્ટન વિરાટ કોહલીએ સ્કોરબોર્ડ ફરતું કરીને બીજી વિકેટની ભાગીદારીમાં 61 રન જોડ્યા હતા. ધવન 31 બોલમાં 40 રન કરીને આઉટ થયો તે પછી બેટિંગમાં આવેલો પંત ફરી એકવાર ફેલ ગયો હતો. તે પછી આવેલા શ્રેયસ ઐય્યરે 16 રન કરીને વિજય સુધી કોહલીને સાથ આપ્યો હતો. કોહલી 52 બોલમાં 72 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.
ક્વિન્ટોન ડિ કોકની અર્ધસદી અને બાવુમાના 49 રનની મદદથી દક્ષિણ આફ્રિકાએ 149 રન બનાવ્યા
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યા પછી દાવ લેવા ઉતરેલા દક્ષિણ આફ્રિકાની શરૂઆત સારી રહી નહોતી અને રીઝા હેન્ડ્રીક્સ માત્ર 6 રન બનાવીને આઉટ થયો હતો. પાવરપ્લેમાં દક્ષિણ આફ્રિકાનો સ્કોર 1 વિકેટે 39 રન થયો હતો. તે પછી ડિ કોકે બાવુમાની સાથે મળીને 10 ઓવરમાં સ્કોર 1 વિકેટે 78 પર પહોંચાડ્યો હતો. ડિ કોકે 35 બોલમાં પોતાની અર્ધસદી પુરી કરી હતી અને 52 રન કરીને તે આઉટ થયો. બાવુમાએ 43 બોલમાં 49 રનની ઇનિંગ રમી હતી. અંત સમયે પ્રિટોરિયસ અને ફેલુકવાયોએ સ્કોરને 149 સુધી પહોંચાડ્યો હતો. ભારત વતી દીપક ચાહરે સર્વાધિક 2 જ્યારે હાર્દિક પંડ્યા, નવદીપ સૈની અને રવિન્દ્ર જાડેજાએ 1-1 વિકેટ લીધી હતી.