વર્લ્ડ કપની 28મી મેચમાં ભારતીય ટીમે પહેલા દાવ લઇને વિરાટ કોહલી અને કેદાર જાદવની અર્ધ સદીની
મદદથી 50 ઓવરમાં 8 વિકેટે માત્ર 224 રન કર્યા હતા. 225 રનના લક્ષ્યાંક સામે અફઘાનિસ્તાનની ટીમ મહંમદ નબીની અર્ધસદીને પગલે વિજયની નજજીક પહોંચ્યું હતું પણ અંતે જસપ્રીત બુમરાહની આગેવાનીમાં ભારતીય બોલરોની જોરદાર બોલિંગથી ભારતીય ટીમ 11 રને મેચ જીતી ગઇ હતી.
અફઘાનિસ્તાની શરૂઆત સારી રહી નહોતી અને 20 રનના સ્કોર પર તેમણે હઝમતુલ્લાહ ઝઝાઇની વિકેટ ગુમાવી
હતી. તે પછી ગુલબદીન નૈબ અને રહમત શાહ વચ્ચે 44 રનની ભાગીદારી થઇ હતી. નૈબ અંગત 27 રન કરીને
આઉટ થયો હતો તે પછી રહમત શાહ અને હસમતુલ્લાહ શાહિદી વચ્ચે 42 રનની ભાગીદારી થઇ હતી અને તે
સમયે જસપ્રીત બુમરાહે રમહત શાહ અને શાહિદી બંનેને બે બોલના ગાળામાં પેવેલિયન ભેગા કરીને ભારતીય
ટીમને મહત્વનો બ્રેક થ્રુ અપાવ્યો હતો.
તે પછી ચહલે અસરગ અફધાનને બોલ્ડ કરીને મોટી સફળતા અપાવી હતી. તે પછી નઝીબુલ્લાહ ઝાદરાન અને મહંમદ નબીએ મળીને 36 રનની ભાગીદારી કરીને ભારતની ચિંતા વધારી હતી. ત્યારે હાર્દિકે નઝીબુલ્લાહ ઝાદરાનને આઉટ કરીને ભારતને બ્રેક થ્રુ અપાવ્યો હતો, તે પછી ચહલે રાશિદ ખાનને આઉટ કર્યો હતો.. 12 બોલમાં 21 રન કરવાના આવ્યા હતા, બુમરાહે 49મી ઓવર એકદમ ટાઇટ બોલિંગ કરીને માત્ર 5 રન આપ્યા હતા. અંતિમ ઓવરમાં 16 રન કરવાના આવ્યા હતા અને પહેલા બોલે જ નબીએ ચોગ્ગો ફટકાર્યો હતો અને તે પછીનો બોલ ખાલી ગયો હતો. તે પછી મહંમદ શમીએ ત્રણ બોલમાં ત્રણ વિકેટ ઉપાડીને હેટ્રિક લઇને ભારતને મેટ જીતાડી હતી.
વિરાટ કોહલીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યા પછી રોહિત શર્મા માત્ર 1 રન કરીને આઉટ થતાં
ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી, તે પછી કેએલ રાહુલ અને વિરાટ કોહલીએ 57 રનની ભાગીદારી
કરી હતી. રાહુલ 30 રન કરીને આઉટ થયો હતો. તે પછી કોહલીએ વિજય શંકરની સાથે 59 રનની ભાગીદારી
કરી હતી. તે પછી શંકર પણ 29 રન કરીને આઉટ થયો હતો.
વિરાટ કોહલીએ 48 બોલમાં પોતાની 52મી અર્ધ સદી પુરી કરી હતી. જો કે ટીનો સ્કોર 135 હતો ત્યારે તે પણ
63 બોલમાં 67 રન કરીને આઉટ થઇ ગયો હતો. તે પછી ધોની અને કેદાર જાદવ વચ્ચે 57 રનની ધીમી
ભાગીદારી થઇ હતી અને ધોની 52 બોલમાં 28 રનની ધીમી ઇનિંગ રમીને આઉટ થયો હતો. કેદાર જાદવે 68
બોલમાં 52 રનની ઇનિંગ રમી હતી અને તેના કારણે ભારતીય ટીમ 220નો આંકડૌો પાર કરી શકી હતી.
ભારતીય ટીમ અંતિમ 10 ઓવરમાં 49 રન જ કરી શકી હતી. અફઘાનિસ્તાન તરફથી મહંમદ નબી અને
ગુલબદીન નૈબે 2-2 જ્યારે મુજીબ ઉર રહેમાન, રાશિદ ખાન, આફતાબ અહેમદ અને રહમત શાહે 1-1 વિકેટ
લીધી હતી.