લોડરહિલમાં રમાયેલી બીજી ટી-20માં ભારતીય ટીમે પ્રથમ દાવ લઇને રોહિત શર્માની આક્રમક અર્ધસદીની મદદથી 5 વિકેટે 167 રન કરીને મુકેલા 168 રનના લક્ષ્યાંકની સામે વેસ્ટઇન્ડિઝની ટીમે 15.3 ઓવરમાં 4 વિકેટે 98 રન બનાવ્યા હતા તે સમયે ખરાબ હવામાનને કારણે રમત બંધ કરવામાં આવી હતી. રમત બંધ રહી ત્યારે વેસ્ટઇન્ડિઝને વિજય માટે 120 રન જરૂરી હતા, તેથી ડકવર્થ લુઇસ નિયમ હેઠળ ભારતને 22 રને વિજેતા જાહેર કરાયું હતું. આ વિજય સાથે 3 મેચની સિરઝમાં ભારતીય ટીમે 2-0ની અજેય સરસાઇ મેળવી લીધી હતી.
168 રનના લક્ષ્યાંક સામે વેસ્ટઇન્ડિઝની શરૂઆત ખરાબ રહી હતી અને તેમણે 8 રનના સ્કોર પર બંને ઓપનરની વિકેટ ગુમાવી દીધી હતી, જો કે તે પછી નિકોલસ પૂરન અને રોવમેન પોવેલે મળીને બાજી સંભાળી હતી, બંનેએ મળીને 76 રનની ભાગીદારી કરી હતી. તે પછી કૃણાલ પંડ્યાએ પોતાની એક જ ઓવરમાં બંનેની વિકેટ ઉપાડતાં વેસ્ટઇન્ડિઝે 85 રનના સ્કોરમાં 4 વિકેટ ગુમાવી હતી.નિકોલસ પુરન ખુબ ધીમો હતો અને તે 34 બોલમાં 19 રન કરીને આઉટ થયો અને પોવેલ 34 બોલમાં 54 રન કરીને આઉટ થયો હતો. 15.3 ઓવરની રમત થઇ હતી અને સ્કોર 4 વિકેટે 98 રન હતો ત્યારે મેદાન નજીક વિજળી પડવાની ઘટનાને કારણે રમત બંધ કરવામાં આવી હતી અને વિજળીના કડાકા ભડાકા ચાલુ જ રહેતા ખેલાડીઓને અંદર બોલાવી લેવાયા હતા.
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને દાવ લેવાનો નિર્ણય કર્યા પછી રોહિત શર્મા અને શિખર ધવને મળીને ભારતીય ટીમને સારી શરૂઆત અપાવીને 7.4 ઓવરમાં બોર્ડ પર 67 રન મુકી દીધા હતા. ધવન અંગત 23 રન કરીને આઉટ થયો તે પછી રોહિત અને કોહલીએ મળીને 48 રનની ભાગીદારી કરી સ્કોર 115 પર લઇ ગયા હતા. ત્યારે રોહિત 67 રન કરીને આઉટ થયો હતો. તે પછી ઋષભ પંત 4 રન કરીને આઉટ થયો અને થોડીવારમાં કોહલી પણ 28 રન કરીને આઉટ થયો હતો. મનિષ પાંડે ફરી ફેલ ગયો હતો, જ્યારે કૃણાલ પંડ્યાએ 13 બોલમાં 20 રનની ઇનિંગ રમતા ભારતીય ટીમ 5 વિકેટે 167 રન સુધી પહોંચી હતી.