કાનપુરમાં રમાય રહેલી ત્રીજી અને અંતિમ વન-ડે મેચમાં પહેલા બેટીંગ કરતા ભારતે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 50 ઓવરમાં 6 વિકેટના ભોગે 337 રનનો જંગી જુમલો ખડો કર્યો હતો. જેમાં સુકાની વિરાટ કોહલી 113 અને રોહીત શર્માએ આક્રમક 147 રનની ઇનીંગ રમી હતી. તો ન્યુઝીલેન્ડ તરફથી ટીમ અદામ મીલને, સાઉદી અને મીશેલ સેંટનરે 2-2 વિકેટ ઝડપી હતી.
ન્યુઝીલેન્ડે પહેલા ટોસ જીતી ભારતને પહેલા બેટીંગ માટે આમંત્રણ આપ્યું હતુ. જેનો ફાયદો ટીમ ઇન્ડિયાએ લીધો હતો અને ન્યુઝીલેન્ડ સામે 337 રનનો જંગી જુમલો ખડો કર્યો હતો. જોકે ગત મેચમાં અડધી સદી ફટકારનાર શિખર ધવન આજે ખાસ બેટીંગ કરી શક્યો ન હતો અને 14 રનમાં ટીમ સાઉદીની ઓવરમાં કેન વિલિયમ્સનના હાથમાં કેચ દઇ બેઠો હતો. ત્યાર બાદ રોહીત શર્મા અને સુકાની વિરાટ કોહલીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. બન્ને વચ્ચે બીજી વિકેટ માટે 230 રનની ભાગીદારી નોંધાવી હતી. તો આ સાથે વિરાટ કોહલીએ પણ વન-ડે ક્રિકેટમાં 9000 રન પુરા કરનાર છટ્ઠો ભારતીય ખેલાડી બન્યો હતો. જ્યારે રોહીત શર્માએ પણ ચાલુ વર્ષે 1000 રન પુરા કરવાનો રેકોર્ડ પણ નોંધાવ્યો હતો. રોહીત શર્માએ 138 બોલમાં 18 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી આક્રમક 147 રન કર્યા હતા. જ્યારે સુકાની વિરાટ કોહલીએ 106 બોલમાં 9 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 113 રન કર્યા હતા. તો ધોનીએ 17 બોલમાં 3 ચોગ્ગાની મદદથી 25 રન કર્યા હતા. ન્યુઝીલેન્ડ ટીમ તરફથી અદામ મીલને, સાઉદી અને મીશેલ સેંટનરે 2-2 વિકેટ ઝડપી હતી.