નવી દિલ્હી : ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં નિષ્ફળ ગયેલા ટીમ ઈન્ડિયાના ઓપનર પૃથ્વી શો બીજી ટેસ્ટમાં વાપસી કરી ચુક્યો છે. ક્રિશ્ચચચમાં રમાઈ રહેલી બે મેચની ટેસ્ટ સિરીઝની બીજી અને છેલ્લી મેચમાં પૃથ્વી શોને આખરે બેટિંગ કરતાં અડધી સદી ફટકારી છે. પૃથ્વી શોએ 64 બોલમાં 54 રન બનાવ્યા. શોએ તેની ઇનિંગ્સમાં એક છગ્ગો અને આઠ ચોગ્ગા ફટકાર્યા હતા. આ પહેલા વેલિંગ્ટનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં પૃથ્વી શોએ પ્રથમ ઇનિંગ્સમાં 16 રન બનાવ્યા હતા, જ્યારે બીજી ઇનિંગમાં તે 14 રને આઉટ થયો હતો.
બીજી ટેસ્ટમાં પૃથ્વી શોની જગ્યાએ શુભમન ગિલને શામેલ કરવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ પૃથ્વી શોને પ્લેઇંગ ઇલેવનમાં જાળવી રાખવામાં આવ્યો હતો, ત્યારબાદ તેણે અડધી સદી ફટકારી હતી. ક્રિસ્ટચર્ચ ટેસ્ટ મેચમાં પૃથ્વી શોએ અડધી સદી ફટકાર્યા બાદ મોટો રેકોર્ડ બનાવ્યો છે. પૃથ્વી શો ન્યૂઝીલેન્ડની ધરતી પર ટેસ્ટ મેચોમાં અડધી સદી ફટકારનાર ભારતનો બીજો સૌથી યુવા ખેલાડી બન્યો છે.
આ સૂચિમાં તેમના દેશબંધુ અને પૂર્વ મહાન બેટ્સમેન સચિન તેંડુલકર પૃથ્વી શો કરતા આગળ છે. સચિન તેંડુલકરે 1990 માં નેપીઅર ટેસ્ટમાં 16 વર્ષ 291 દિવસની ઉંમરે ટેસ્ટ અડધી સદી ફટકારી હતી. પૃથ્વી શો વિશે વાત કરીએ તો તેણે 20 વર્ષ 112 દિવસની ઉંમરે આ પરાક્રમ કર્યું છે. ત્રીજા નંબરે અતુલ વાસન છે, જેણે 1990 માં 21 વર્ષ 336 દિવસની ઉંમરે ઓકલેન્ડ ટેસ્ટમાં ફિફટી ફટકારી હતી.