આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની સૌથી હાઇ પ્રોફાઇલ એવી 16મી જૂને રમાનારી ટીમ ઇન્ડિયા અને તેની પરંપરાગત હરીફ પાકિસ્તાન વચ્ચેની મેચમાં પણ વરસાદ વિલન બને તેવી સંભાવના વ્ય્ક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અહીં સાંજના સમયે વરસાદ ત્રાટકી શકે છે. એ ઉલ્લેખનીય છે કે હાલના વર્લ્ડ કપની ચાર મેચ વરસાદે ધોઇ નાંખી છે, જેમાં ગુરૂવારની ભારત-ન્યુઝીલેન્ડ મેચનો પણ સમાવેશ થાય છે.
આ ઉપરાંત પાકિસ્તાન અને શ્રીલંકાની પણ એક મેચ ધોવાઇ ગઇ હતી, તેથી હવામાન વિભાગે માન્ચેસ્ટરમાં સાંજના સમયે વરસાદ પડવાની આગાહી કરતાં ક્રિકેટ ચાહકો ચિંતિત થઇ ઉઠ્યા છે. એ ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાનની ટીમ ગમે તે ટુર્નામેન્ટમાં સામ સામે આવે ત્યારે તે મેચ બાબતે સૌથી વધુ હાઇપ ઊભો થાય છે, તેમાં પણ ક્રિકેટ વર્લ્ડ કપની મેચ હોય એટલે તે મામલે રોમાંચ ચરમસીમાએ હોય તો તેમાં નવાઇની કોઇ વાત નથી.
માન્ચેસ્ટરમાં હાલ શુક્રવારે વરસાદ પડી જ રહ્યો છે, ત્યારે હવામાન વિભાગની યાદી એવું કહે છે કે માન્ચેસ્ટરમાં રવિવારે સાંજે પણ વરસાદ પડી શકે છે. બ્રિટનના હવામાન વિભાગની વેબસાઇટ કહે છે કે માન્ચેસ્ટરમાં શુક્રવાર અને શનિવારે વરસાદ પડતો રહેશે, જ્યારે રવિવારે સવારના સમયે સૂર્યદેવતા દર્શન આપશે અને તે પછી દિવસ આખો તડકો સારો રહેશે પણ સાંજે ફરી અટકી અટકીને વરસાદ પડતો રહેશે., મતલબ કે ભારત અને પાકિસ્તાનની મેચમાં તે અવારનવાર વિઘ્ન નાખતો રહેશે.
એક અન્ય વેબસાઇટ એક્યુવેધરના જણાવ્યા અનુસાર શુક્રવાર અને શનિવારે તડકો નીકળશે પણ વરસાદ થવાની પુરી સંભાવના છે. તેના કારણે ભારત-પાકિસ્તાનની મેચ પર પણ અસર પડી શકે છે. બની શકે છે કે આ મેચ 50-50 ઓવરની રમાવાને બદલે ઓછી ઓવરોની રમાડવામા આવે. જો કે હવામાન ગમે ત્યારે બદલાઇ શકે છે અને તડકાને કારણે તેના પર અસર પડશે.