કાનપુરઃ અહીંના ગ્રીનપાર્ક સ્ટેડિયમ ખાતે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રીજી અને અંતિમ વનડેમાં કિવી ટીમે ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમે 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 337 રન કર્યા હતા. 338 રનના ટાર્ગેટ સામે ઉતરેલી કિવી ટીમ 50 ઓવરમાં 7 વિકેટના ભોગે 331 રન જ કરી શકી હતી. અંતિમ વનડેમાં ભારે રસાકસી બાદ ભારતે 6 રને જીત મેળવી સિરીઝ 2-1થી જીતી લીધી છે. રોહીત શર્મા મેન ઓફ ધ મેચ અને વિરાટ કોહલીને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો.
ન્યૂઝીલેન્ડની ઈનિંગ….
– કિવી ઓપનર માર્ટીન ગપ્ટીલને આઉટ કરી જસપ્રિત બુમરાબે વનડે ક્રિકેટમાં 50 વિકેટ પૂર્ણ કરી હતી.
– બુમરાહ અગરકર પછી સૌથી ઝડપી 50 વિકેટ ઝડપનાર બીજો ભારતીય ઝડપી બોલર છે.
– કિવી ઓપનર કોલિન મુનરોએ અડધી સદી ફટકારી હતી. મુનરોને 75 રનના સ્કોરે યુઝવેન્દ્ર ચહલે બોલ્ડ કર્યો હતો.
– કિવી કેપ્ટન કેન વિલિયમ્સને પણ અડધી સદી ફટકારી હતી. જોકે તેને પણ ચહલે જ પેવેલિયન પરત મોકલ્યો હતો.
– રોસ ટેલરને બુમરાહે 39 રને આઉટ કર્યો હતો. નિકોલસને 37 રને ભૂવનેશ્વરે આઉટ કર્યો હતો.
– ટોમ લાથમે અડધી સદી ફટકારી હતી. લાથમ 65 રન કરી રનઆઉટ થયો હતો.
– સેન્ટરને બુમરાહે આઉટ કર્યો હતો. બુમરાહે શાનદાર બોલિંગ કરતા 47 રનમાં 3 વિકેટ ઝડપી હતી.
ભારતની ઈનિંગ…
– ધવને પાવર પ્લેનો લાભ ઉઠાવવાના ચક્કરમાં મિડ ઓફ પર કેન વિલિયમસનને સાઉથીની ઓવરમાં કેચ આપી બેઠો હતો.
– રોહિત શર્માએ પોતાના કરિઅરની 15મી સદી ફટકારી હતી. રોહિત શર્મા 147 રન કરી આઉટ થયો હતો.
– વિરાટ કોહલીએ પોતાના કરિઅરની 32મી સદી ફટકારી હતી. કોહલી 113 રન કરી આઉટ થયો હતો.
– રોહિત શર્મા અને વિરાટ કોહલી વચ્ચે ચોથી વખત 200+ રનની ભાગીદારી નોંધાઈ, જે વર્લ્ડ રેકોર્ડ છે.
– હાર્દીક પંડ્યાએ માત્ર 8 રન કરી આઉટ થયો હતો. જે પછી ધોની 25 રન અને કેદાર જાધવ 18 રન કરીને આઉટ થયા હતા.
– ભારતે 50 ઓવરમાં 337 રન કર્યા હતા, આ કાનપુરમાં રમાયેલી મેચોમાં હાઈએસ્ટ ટીમ ટોટલ હતો. આ પહેલા દ.આફ્રિકાએ 2015માં ભારત સામે અહીં 303 રન કર્યા હતા.
વિરાટ કોહલીએ ઝડપી 9000 રનનો રેકોર્ડ બનાવ્યો
વિરાટ કોહલીના સ્ટાર અત્યારે ચમકી રહ્યા છે અને તે એક પછી એક રેકોર્ડની વણઝાર સર્જી રહ્યો છે. કોહલીએ ન્યૂઝીલેન્ડ સામેની વન-ડેમાં પણ એક-બે નહીં પરંતુ ચાર રેકોર્ડ બનાવ્યા હતા જેમાં વિશ્વમાં ઝડપી ૯,૦૦૦ રનનો રેકોર્ડ બનાવ્યો. આંતરરાષ્ટ્રીય સદી મામલે દ્રવિડને પાછળ છોડયો હતો.
સૌથી પહેલાં વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ૮૩ રન નોંધાવવાની સાથે વન-ડે ક્રિકેટમાં સૌથી ઝડપી નવ હજાર રન પૂર્ણ કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો. કોહલીએ આ સિદ્ધિ સાઉથ આફ્રિકાના એબી ડી વિલિયર્સને પાછળ છોડતાં મેળવી હતી. કોહલીના હવે ૨૦૨ મેચમાં ૯,૦૩૦ રન થઈ ગયા છે. નવ હજાર રન બનાવનાર કોહલી ભારતનો છઠ્ઠો બેટ્સમેન બન્યો છે. આ ઉપરાંત વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય સદીના મામલે ભારતના રાહુલ દ્રવિડને પાછળ છોડયો હતો. વિરાટે કારકિર્દીની ૩૨મી વન-ડે સદી ફટકારવાની સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ ૪૯ સદી પૂર્ણ કરી દ્રવિડની કુલ ૪૮ સદીનો રેકોર્ડ તોડયો હતો. વિશ્વમાં સૌથી વધુ સદીનો રેકોર્ડ સચિન તેંડુલકરનાં નામે છે.
કોહલીએ પોન્ટિંગને પછાડયો
વિરાટ કોહલીએ વન-ડેમાં કેલેન્ડર વર્ષમાં કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવવાના રિકી પોન્ટિંગના રેકોર્ડને તોડયો હતો. પોન્ટિંગે વર્ષ ૨૦૦૭માં ૧,૪૨૪ રન બનાવ્યા હતા જ્યારે વિરાટ કોહલીએ કેપ્ટન તરીકે આ વર્ષે ૧,૪૬૦ રન બનાવ્યા છે.
વિરાટે કેલેન્ડર વર્ષમાં ચોથી વખત ૨,૦૦૦ રન પૂર્ણ કર્યા
કોહલીએ ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી વન-ડેમાં નવ રન બનાવી ૨૦૧૭માં ક્રિકેટનાં ત્રણેય ફોર્મેટમાં ૨,૦૦૦ રન પૂર્ણ કરવાની અને ચોથી વખત ૨,૦૦૦ રન બનાવવાની સિદ્ધિ મેળવી હતી.