કોલકત્તા : વર્ષની શરૂઆતમાં શ્રીલંકાનાં તેના જ ઘરમાં સૂપડાં સાફ કરી હરીફ પર દબદબો જાળવી રાખી ક્લીન સ્વીપ કરી ને સ્વદેશમાં ટીમ ઇન્ડિયા વિજયની સદી પૂરી કરશે. આ સાથે જ ભારત આવી સિદ્ધી મેળવનાર વિશ્વમાં ત્રીજો દેશ બની જશે. એટલું જ નહીં, વિરાટ કોહલી ભારતના સૌથી સફળ કૅપ્ટનોની યાદીમાં બીજા સ્થાન પર આવી જશે. ભારતે આ વર્ષે જુલાઈ-ઑગસ્ટમાં શ્રીલંકાને ત્રણ ટેસ્ટ-મૅચની સિરીઝમાં ૩-૦થી હરાવ્યું હતું અને ૧૬ નવેમ્બરથી કલકત્તામાં શરૂ થનારી આગામી ટેસ્ટ-સિરીઝમાં પણ કોહલીની કૅપ્ટન્સીવાળી ટીમને જીતની પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.
ભારતનો ચોથો ક્રમાંક
ભારતીય ટીમ અત્યાર સુધી શ્રીલંકા સામે ઘરઆંગણે એક પણ ટેસ્ટ હારી નથી અને એક વખત પહેલાં પણ શ્રીલંકા સામે સ્વદેશમાં ક્લીન સ્વીપ (૧૯૯૩-’૯૪) કરી ચૂકી છે. જો ભારત ટેસ્ટ-મૅચોની સિરીઝમાં ફરીથી શ્રીલંકાનાં સૂપડાં સાફ કરવામાં સફળ રહે છે તો એની ઘરઆંગણે જીતની સંખ્યા ૧૦૦ની ઉપર પહોંચી જશે તેમ જ આ સિદ્ધિ મેળવનાર તે ઑસ્ટ્રેલિયા (૨૩૪) અને ઇંગ્લૅન્ડ(૨૧૨) બાદ માત્ર ત્રીજો દેશ બનશે. ભારતે અત્યાર સુધી ઘરઆંગણે ૨૬૧ ટેસ્ટ-મૅચ રમી છે જેમાં એને ૯૭માં જીત અને બાવનમાં હાર મળી છે તો ૧૧૧ મૅચ ડ્રૉ અને એક ટાઇ રહી છે. અત્યારે સ્વદેશમાં સૌથી વધુ જીતના રેકૉર્ડમાં ભારત ચોથા સ્થાન પર છે. સાઉથ આફ્રિકાએ પોતાના ઘરઆંગણે ૯૮ જીત મેળવી છે, પરંતુ ડિસેમ્બરના છેલ્લા સપ્તાહ સુધી એણે પોતાની ધરતી પર કોઈ ટેસ્ટ-મૅચ રમવાની નથી.
ઇંગ્લૅન્ડમાં સૌથી વધુ પરિણામ
ભારતમાં અત્યાર સુધી જે ૨૬૧ ટેસ્ટ રમાઈ છે એમાંથી ૧૪૯ મૅચનું પરિણામ આવ્યું છે. ઇંગ્લૅન્ડમાં સૌથી વધુ ૩૩૪ ટેસ્ટ-મૅચનું રિઝલ્ટ આવ્યું છે. ત્યાર બાદ ઑસ્ટ્રેલિયામાં (૩૩૧), સાઉથ આફ્રિકામાં (૧૬૬) અને પછી ભારતનો નંબર આવે છે. ભારતે પોતાના ઘરઆંગણે અત્યાર સુધી ૯૭ મૅચ જીતી છે એમાંથી ૪૮ મૅચમાં વર્તમાન સદી (૧ જાન્યુઆરી ૨૦૦૧થી)માં વિજય મેળવ્યો છે. એકવીસમી સદીમાં અત્યાર સુધી ત્રણ દેશ ઇંગ્લૅન્ડ (૬૭), ઑસ્ટ્રેલિયા (૬૬) અને સાઉથ આફ્રિકા (૫૦)એ પોતાની ધરતી પર જીતની હાફ-સેન્ચુરી પૂરી કરી છે.
શ્રીલંકાનો ખરાબ રેકૉર્ડ
શ્રીલંકાના નામ પર પણ આ સિરીઝમાં એક એવો રેકૉર્ડ નોંધાઈ જશે, જેના પર એને ક્યારેય ગર્વ નહીં હોય. એક મૅચમાં હાર્યું તો એની ટેસ્ટ-મૅચમાં હારની સદી થઈ જશે. શ્રીલંકા અત્યાર સુધી ૨૬૪ ટેસ્ટ રમ્યું છે જેમાંથી ૯૯ ટેસ્ટ હાર્યું છે. વધુ એક હારથી ૧૦૦ કરતાં વધુ ટેસ્ટ-મૅચ હારનાર વિશ્વની આઠમી ટીમ બની જશે. ટેસ્ટ રમનાર દેશમાં અત્યાર સુધી શ્રીલંકા ઉપરાંત ઝિમ્બાબ્વે અને બંગલા દેશ જ આ યાદીમા સામેલ નથી. આ ત્રણેય ટીમને ટેસ્ટનો દરજ્જો ઘણો મોડો મળ્યો હતો.
કોહલીનો વધુ એક રેકૉર્ડ
કોહલી પણ કૅપ્ટન તરીકે આગામી સિરીઝમાં એક નવી સિદ્ધિ મેળવી શકે છે. જો તેની કૅપ્ટન્સીમાં ટીમ ક્લીન સ્વીપ કરે છે તો તે ભારતના સૌથી સફળ કૅપ્ટનોની યાદીમાં મહેન્દ્ર સિંહ ધોની બાદ બીજા સ્થાન પર આવી જશે. કોહલીની કૅપ્ટન્સીમાં ભારતે અત્યાર સુધી ૨૯ ટેસ્ટ-મૅચમાંથી ૧૯માં જીત મેળવી છે તો ધોની (૬૦ ટેસ્ટમાં ૨૭ જીત) અને સૌરવ ગાંગુલી (૪૭ ટેસ્ટમાં ૨૧ જીત) બાદ ત્રીજા નંબરે છે. આ ઉપરાંત કોહલી ૨૦ કે વધુ ટેસ્ટ-મૅચમાં જીત મેળવનાર વિશ્વનો ૧૯મો કૅપ્ટન બની જશે. તેણે સાઉથ આફ્રિકાના ગ્રેમ સ્મિથ (૧૦૯ ટેસ્ટમાં ૫૩ જીત)ના રેકૉર્ડ સુધી પહોંચવા માટે હજી ઘણો લાંબો રસ્તો કાપવાનો છે એટલું જ નહીં, કોહલી પાસે ભારતમાં સૌથી વધુ ટેસ્ટ જીતવાના કૅપ્ટનોની યાદીમાં બીજા ક્રમાંક પર પહોંચવાની પણ તક છે. ધોની (૩૦ મૅચમાં ૨૧ જીત) અને મોહમ્મદ અઝહરુદ્દીન (૨૦ મૅચમાં ૧૩ જીત) તેના કરતાં આગળ છે. કોહલીના નેતૃત્વમાં ભારતે સ્વદેશમાં ૧૬ ટેસ્ટ-મૅચમાંથી ૧૨માં જીત મેળવી છે.