ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોતાના અભિયાનની શરૂઆત વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ 22 ઓગસ્ટથી અહીં 2 ટેસ્ટ મેચની સિરીઝ રમીને કરશે. જો કે ભારતીય ટીમના વેસ્ટઇન્ડિઝ પ્રવાસની શરૂઆત 3 ઓગસ્ટથી ફલોરિડામાં રમાનારી 2 ટી-20 ઇન્ટરનેશનલ મેચથી શરૂ થશે. વેસ્ટઇન્ડિઝના આ પ્રવાસમાં ભારતીય ટીમ 2019માં વિદેશમાં ઍકમાત્ર ટેસ્ટ સિરીઝ રમશે.
બંને ટીમ વચ્ચે 2 ટેસ્ટ ઉપરાંત 3 ટી-20 અને 3 વનડે રમાશે. પહેલી ટેસ્ટ ૨૨થી 26 ઓગસ્ટ દરમિયાન અહીંના વિવિયન રિચાર્ડસ મેદાન પર રમાશે. જ્યારે બીજી ટેસ્ટ 30 ઓગસ્ટથી સબીના પાર્ક પર રમાશે. આ ટેસ્ટ મેચોથી આઇસીસીની ટેસ્ટ ચેમ્પિયનશિપની શરૂઆત થશે, જે આગામી 2 વર્ષ સુધી ચાલશે. ક્રિકેટ વેસ્ટઇન્ડિઝના મુખ્ય કાર્યકારી જોની ગ્રેવે કહ્યું હતું કે વેસ્ટઇન્ડિઝ અને ભારત વચ્ચે લાંબી અને આકર્ષક સ્પર્ધા રહી છે અને આ સિરીઝમાં પણ તમામ ફોર્મેટમાં રોમાચંક પ્રતિસ્પર્ધા જાવા મળશે. સિરીઝની શરૂઆત ટી-20 મેચોથી થશે.
પહેલી 2 ટી-20 3 અને 4 ઓગસ્ટે અમેરિકાના ફલોરિડાના લોડરિલના બ્રોવાર્ડ કાઉન્ટી સ્ટેડિયમમાં રમાશે. જ્યારે ત્રીજી ટી-20 6 ઓગસ્ટે ગયાનાના નેશનલ સ્ટેડિયમમાં રમાશે. આ મેદાન પરથી જ વનડે સિરીઝની શરૂઆત થશે અને પહેલી વનડે 8 ઓગસ્ટે રમાશે. તે પછી 11 અને 14 ઓગસ્ટ ત્રિનિદાદના ક્વીન્સ પાર્ક ઓવલમાં બે વનડે રમાશે.