નવી દિલ્હી : અટલ વિહારી વાજપેયી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી ત્રીજી અને અંતિમ ટી 20 મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકાને નવ વિકેટે હરાવી હતી. રાજેશ્વરી ગાયકવાડ (4 ઓવર 9 રન અને 3 વિકેટ) ની શાનદાર બોલિંગ બાદ ભારત શેફાલી વર્મા (60 રન, 30 બોલ, 7 ચોક્કા, 5 છગ્ગા) ની ધમાકેદાર બેટિંગના દમ પર જીત મેળવી હતી.
રાજેશ્વરીની આગેવાની હેઠળના તેમના બોલરોના શાનદાર પ્રદર્શનને કારણે ભારતીય ટીમે સાઉથ આફ્રિકાને સાત વિકેટે 112 રનમાં રોકી દીધી હતી અને ત્યારબાદ 11 ઓવરમાં એક વિકેટ ગુમાવીને જીત મેળવી હતી. શેફાલી સિવાય સુકાની સ્મૃતિ મંધાનાએ 28 બોલમાં નવ ચોગ્ગાની મદદથી અણનમ 48 રન બનાવ્યા હતા જ્યારે હરલીન દેઓલ ચાર રને અણનમ પરત ફરી હતી.
આ હાર છતાં, દક્ષિણ આફ્રિકાએ ત્રણ મેચની શ્રેણી 2-1થી જીતી લીધી. અગાઉ, મુલાકાતી ટીમે પાંચ મેચની વનડે સિરીઝમાં 4-1થી જીત મેળવી હતી.
દક્ષિણ આફ્રિકાની ટીમની બેટિંગ
ટોસ હારીને પ્રથમ બેટિંગ કર્યા પછી, દક્ષિણ આફ્રિકાની ટીમે નબળી શરૂઆત કરી હતી અને 16 રનમાં તેની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આ ત્રણ વિકેટોમાંથી બે વિકેટ ગાયકવાડના નામે હતી. તેણે લિજેલી લી (12) અને એની બોશ (0) ને આઉટ કરી.
આ પછી પણ, મુલાકાતી ટીમે નિયમિત અંતરે વિકેટ ગુમાવી દીધી હતી અને નિર્ધારિત 20 ઓવરમાં સાત વિકેટે 112 રન બનાવી શકી હતી. ટીમ માટે, સુકાની સુન લુસે 25 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી 28 રન બનાવ્યા.
તેના સિવાય લારા ગુડાલે અણનમ 25, ફાય ટ્યુનિકલિફે 18, સિનાલો જાફાએ 16 અને નાડીન ડી કેરલેકે નવ રન બનાવ્યા. ભારતીય ટીમ તરફથી ગાયકવાડની ત્રણ વિકેટ ઉપરાંત અરૂંધતી રેડ્ડી, રાધા યાદવ, દિપ્તી શર્મા અને સિમરન બહાદુરએ એક-એક વિકેટ લીધી હતી.