ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ની એન્ટી કરપ્શન યૂનિટ દ્વારા બે વ્યક્તિ સામે બેંગલુરૂમાં એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. રાકેશ બાફના અને જિતેન્દ્ર કોઠારી વિરુદ્ધ કથિત મેચ ફિકસીંગ મામલે આ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. આ મહિલા ક્રિકેટરને ફિક્સરો દ્વારા એક લાખ રૂપિયા આપવાની ઓફર કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર બાફનાએ ભારતીય નેશનલ ક્રિકેટ ટીમની મહિલા ખેલાડીને આ વર્ષની શરૂઆતમાં મેચ ફિક્સીંગ માટે એપ્રોચ કરી હતી અને પોતાની સાથે જોડાવા માટે મોટી રકમ આપવાનું વચન આપ્યું હતું. આ ઘટના ફેબ્રુઆરીમાં બની હતી. જ્યારે ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે મર્યાદિત ઓવરોની સિરીઝ માટેની તૈયારીમાં જોતરાયેલી હતી. જો કે આ મહિલા ખેલાડીનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.
એવું જણાવાયું છે કે મહિલા ક્રિકેટરે એક આરોપી સાથે ટેલિફોન પર થયેલી વાતચીતનું રેકોર્ડિંગ પણ આપ્યું છે. સ્પોર્ટ્સ મેનેજર જિતેન્દ્ર કોઠારીએ સોશિયલ સાઇટના માધ્યમથી આ ખેલાડીનો સંપર્ક કર્યો હતો. તે પછી તેણે બાફનાને મેચ ફિક્સ કરવા માટે મહિલા્ ક્રિકેટર સાથે વાતચીત કરવા જણાવ્યું હતું. બીસીસીઆઇના એન્ટી કરપ્શન યૂનિટના અજિત સિંહે જણાવ્યું હતું કે આ મહિલા ક્રિકેટર ઇન્ટરનેશન લેવલની ખેલાડી હોવાથી આઇસીસી આ કેસની તપાસ કરી રહ્યું છે.