હૈદરાબાદ : રવિવારે ચેન્નઇ સુપર કિંગ્સને 1 રને હરાવીને મુંબઇ ઇન્ડિયન્સે 1 રને આઇપીએલની ફાઇનલમાં વિજય મેળવીને ચોથીવાર આઇપીએલ ટાઇટલ જીતી લીધું હતું. આ સાથે જ તે ટાઇટલની રેસમાં ચેન્નઇથી આગળ નીકળી છે. આઇપીએલની 12મી સિઝન શરૂ થઇ ત્યારે બંને ટીમોના નામે 3-3 ટાઇટલ બોલતા હતા, અને હવે આ સિઝન પુરી થઇ છે ત્યારે મુંબઇ ચેન્નઇ પર એક ટાઇટલની સરસાઇ ધરાવતું થયું છે. રવિવારે રમાયેલી ફાઇનલ પછીની કેટલીક રસપ્રદ આંકડાકીય માહિતી પર નજર નાખીએ
મુંબઇ ઇન્ડિયન્સ બની ચાર ટાઇટલ જીતનારી પહેલી ટીમ
રવિવારે રમાયેલી ફાઇનલમાં ચેન્નઇ સુપર કિંગ્સને 1 રને હરાવીને મુંબઇએ આઇપીએલનું પોતાનું ચોથું ટાઇટલ જીત્યું હતું. આ સાથે જ આઇપીએલના અત્યાર સુધીના ઇતિહાસમાં તે એકમાત્ર એવી ટીમ બની છે જેણે ચાર ટાઇટલ જીત્યા હોય. મુંબઇ 2010, 2013, 2015, 2017 અને 2019 એમ કુલ મળીને પાંચમીવાર ફાઇનલમાં પહોંચી હતી અને તેમાંથી તે 2010માં ચેન્નઇ સામે એકવાર ફાઇનલમાં પરાજીત થઇ હતી. તે પછી મુંબઇએ 2013, 2015, 2017 અને 2019માં ફાઇનલ જીતીને કુલ ચાર ટાઇટલ જીતી લીધા હતા સામા પક્ષે ચેન્નઇ કુલ 8મી વાર ફાઇનલમા પહોંચી હતી, તેમાંથી તે ત્રણવાર ચેમ્પિયન થઇ છે.
મલિંગાનો અનુભવ અને સ્લો બોલ મુંબઇ માટે અસરકારક રહ્યા
યોર્કર કિંગ તરીકે જાણીતા લસિથ મલિંગાનો અનુભવ અને સ્લો બોલ મુંબઇ માટે ફાઇનલમાં અસરકારક રહ્યા હતા. ખાસ તો એટલા માટે કે મલિંગાએ 16મી ઓવર ફેંકી ત્યારે તેણે તેમાં કુલ 20 રન આપી દીધા હતા. પણ અંતિમ ઓવરમાં તેણે વોટ્સન જેવો બેટ્સમેન ક્રિઝ પર હોવા છતાં ચેન્નઇને વિજય માટે જરૂરી 9 અને ટાઇ માટે જરૂરી 8 રન કરવા દીધા નહોતા.પહેલા 3 બોલમાં ચાર રન આવી ગયા પછી ચોથા બોલે બે રન કરવાના પ્રયાસમાં વોટ્સન રન આઉટ થયો હતો. તે પછી બે બોલમા ચાર રન જરૂરી હતા અને અંતિમ બોલે ચેન્નઇને વિજય માટે બે રન અને ટાઇ માટે એક રન જોઇતો હતો ત્યારે મલિંગાના સ્લો બોલે કમાલ કર્યો હતો અને શાર્દુલ ઠાકુર વિકેટ ગુમાવી બેઠો હતો
ચેન્નઇ સુપર કિંગ્સની ઇનિંગ દરમિયાન બે રનઆઉટ
સીએસકેની ઇનિંગમાં 2 રનઆઉટ થયાં હતા. તેમાંથી ધોનીનો રનઆઉટ મહત્વપૂર્ણ રહ્યો હતો. ધોની માત્ર બે રન બનાવીને ઇશાન કિશનના ડાયરેક્ટ થ્રોથી રનઆઉટ થયો હતો. તે પછી વોટ્સન બીજો રનઆઉટ થયો હતો. વોટ્સન ચોથા બોલે બીજો રન લેવાના પ્રયાસમાં રનઆઉટ થયો હતો. આ બે રનઆઉટમાંથી ધોનીનો રનઆઉટ મુંબઇ માટે ચાવીરૂપ પુરવાર થયો હતો.
ચેન્ન્ઇ સામેની ફાઇલનલમાં કિરોન પોલાર્ડનો જાદુ યથાવત રહ્યો
અત્યાર સુધી ચેન્નઇ સામેની ચાર આઇપીએલ ફાઇનલમાં મુંબઇ વતી સૌથી વધુ રન કિરોન પોલાર્ડે બનાવ્યા છે. તેણે ચેન્નઇ સામેની ફાઇનલમાં 82ની એવરેજે 164 રન કર્યા છે. આ દરમિયાન તેણે કુલ મળીને 85 બોલનો સામનો કર્યો છે. આ ચારમાંથી ત્રણમાં મુંબઇ જ્યારે એકમાં ચેન્નઇ ચેમ્પિયન બન્યું હતું. રવિવારે રમાયેલી ફાઇનલમાં પણ પોલાર્ડે 25 બોલમાં 41 રનની ઇનિંગ રમી હતી.
મુંબઇ ઇન્ડિયન્સની ટીમ હૈદરાબાદ સ્ટેડિયમમાં બીજીવાર ફાઇનલ રને જીતી
મુંબઇ ઇન્ડિયન્સની ટીમે રવિવારે ફાઇનલમાં ચેન્નઇ સુપર કિંગ્સને માત્ર 1 રને હરાવીને આઇપીએલમાં ચોથીવાર ચેમ્પિયન બની ત્યારે ઘણાંને 2017ની એ ફાઇનલ યાદ આવી ગઇ હતી જેમાં પણ મુંબઇ માત્ર 1 રને જીતીને ત્રીજીવાર ચેમ્પિયન બન્યું હતું. 2017માં રોહિતની ટીમે પુણે સુપર જાયન્ટ્સને માત્ર 1 રને ફાઇનલમાં હરાવ્યું હતું. અને એ મેચ પણ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં જ રમાઇ હતી.