નવી દિલ્હી : ઈંગ્લેન્ડનો સ્ટાર ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર ઇન્ડિયન પ્રીમિયર લીગ ( IPL) 2020 થી બહાર થઈ ગયો છે. 24 વર્ષની આર્ચરની જમણી કોણીમાં ફ્રેક્ચર (અસ્થિભંગ) છે. ડિસેમ્બરમાં દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન તેને આ ઈજા થઈ હતી. આર્ચરની ગેરહાજરીને રાજસ્થાન રોયલ્સના પેસ એટેક માટે મોટો આંચકો માનવામાં આવે છે.
ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી) એ પુષ્ટિ આપી છે કે આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમનાર આર્ચર શ્રીલંકા સામે ઈંગ્લેન્ડના ટેસ્ટ પ્રવાસથી પણ બહાર રહેશે. એવું કહેવામાં આવે છે કે, આર્ચર 3 મહિના સુધી ક્રિકેટથી દૂર રહેશે. ઇંગ્લેન્ડે શ્રીલંકા રાઉન્ડ પર બે મેચની ટેસ્ટ સિરીઝ રમવાની છે. શ્રેણીની પ્રથમ ટેસ્ટ 19 માર્ચથી રમાશે. આ પછી, આઈપીએલની મેચ 28 માર્ચથી શરૂ થશે.
ઇસીબીએ કહ્યું, “આર્ચરે ગઈકાલે બ્રિટનમાં તેની ઇજાગ્રસ્ત જમણા કોણીનું સ્કેન કરાવ્યું હતું, જેમાં હળવા ફ્રેક્ચરની પુષ્ટિ કરી હતી.” હવે તેણે પુનર્વસનના સમયગાળામાંથી પસાર થવું પડશે, જેથી તે વેસ્ટ ઇન્ડીઝ સામે જૂનમાં શરૂ થનારી ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી પહેલા સ્વસ્થ થઈ જશે.