નવી દિલ્હી : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ કહે છે કે ગયા વર્ષે ભારતીય ટીમે જ્યારે ઓસ્ટ્રેલિયાની મુલાકાત લીધી ત્યારે વિરાટ કોહલીએ પ્રથમ ગ્લેન મેક્સવેલને આરસીબીમાં જોડાવાનો વિચાર રજૂ કર્યો હતો. મેક્સવેલે કહ્યું કે, કોહલીએ તેમને પૂછ્યું હતું કે શું તે તેની આઈપીએલ ટીમમાં આરસીબીમાં જોડાશે.
મેક્સવેલે કહ્યું, “અમારી વચ્ચે વાતચીત થતી હતી. વનડે અને ટી 20 સિરીઝ પછી કોહલીએ મને તક મળે ત્યારે આરસીબી તરફથી રમવા માટે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે તમે ટીમમાં જોડાશો તો સારું રહેશે. પણ આપણે હરાજીમાંથી પસાર થવું પડશે.”
તેમણે આગળ કહ્યું, “કોહલીએ કહ્યું કે તમારૂ ટીમમાં જોડાવું સારું રહેશે. તેમણે આ વિચાર મારા મગજમાં મૂક્યો. આ પ્રક્રિયામાં ઘણો સમય લાગ્યો અને હું આભારી છું કે હવે હું આરસીબી તરફથી રમી રહ્યો છું.”
નોંધપાત્ર વાત એ છે કે, આઈપીએલ 2020 માં ગ્લેન મેક્સવેલ કિંગ્સ ઇલેવન પંજાબ (હાલ પંજાબ કિંગ્સ) ની ટીમનો ભાગ હતો. પરંતુ તે અપેક્ષા મુજબ પ્રદર્શન કરી શક્યો નહીં અને આઈપીએલ 2021 ની હરાજી પૂર્વે પંજાબે તેને છૂટો કર્યો. આ પછી, આરસીબીએ 14.25 કરોડમાં મેક્સવેલને ખરીદ્યો.
મેક્સવેલ, જેણે આઈપીએલ 2020 માં એક સિક્સર પણ ફટકારી ન હતી, તેણે આરસીબી માટે તેની પહેલી મેચમાં બે સિક્સર ફટકારી હતી. મુંબઈ ઈન્ડિયન્સ સામેની આ મેચમાં મેક્સવેલે 39 રનની વિસ્ફોટક ઇનિંગ્સ રમી હતી. કેપ્ટન કોહલીએ એબી ડી વિલિયર્સ સાથે મેક્સવેલને બેટિંગ માટે મોકલ્યો હતો. મુંબઈ સામેની આ મેચમાં મેક્સવેલ ચોથા નંબર પર અને ડી વિલિયર્સ પાંચમાં ક્રમે રમ્યો હતો.