IPL 2025: ધોનીના ફેન્સ માટે સારા સમાચાર, માહી ફરી એકવાર IPLમાં રમી શકે છે
IPL 2025 માટે રીટેન્શન નિયમોને કારણે, એમએસ ધોનીને લઈને ફરી એકવાર ચર્ચાઓ સામે આવી છે. જે બાદ ચાહકોને આશા છે કે ધોની IPL 2025માં CSKનો હિસ્સો બની શકે છે.
IPL 2025: ચેન્નાઈ સુપર કિંગ્સના ચાહકો માટે સારા સમાચાર છે. એવું લાગે છે કે ‘થાલા’ એમએસ ધોની ફરી એકવાર ઈન્ડિયન પ્રીમિયર લીગના મેદાનમાં હલચલ મચાવતો જોવા મળશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) IPL 2025 સીઝન માટે IPLમાં જૂનો નિયમ પાછો લાવ્યો છે. જે અંતર્ગત ધોની ફરી એકવાર ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ટીમનો ભાગ બની શકે છે.
અનકેપ્ડ પ્લેયર્સનો નિયમ ફરીથી અમલમાં આવ્યો
અનકેપ્ડ પ્લેયર્સનો નિયમ IPL 2025 માટે ફરીથી લાગુ કરવામાં આવ્યો છે. આ નિયમ અનુસાર, જે ખેલાડી છેલ્લા પાંચ વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ નથી રમી રહ્યો તેને અનકેપ્ડ ખેલાડી ગણવામાં આવશે. ઉપરાંત, જો ખેલાડીનો BCCI સાથે કેન્દ્રીય કરાર નથી, તો તે પણ અનકેપ્ડ ખેલાડી તરીકે ગણવામાં આવશે. આનો સીધો અર્થ એ થયો કે એમએસ ધોની હવે અનકેપ્ડ પ્લેયરની શ્રેણીમાં આવી ગયો છે.
આ નિયમના કારણે ધોનીની આઈપીએલ સેલરી ઘટશે
ચેન્નાઈ સુપર કિંગ્સ એમએસ ધોનીને 4 કરોડ રૂપિયામાં અનકેપ્ડ પ્લેયર તરીકે જાળવી શકે છે. નવા નિયમો હેઠળ દરેક ટીમ 6 ખેલાડીઓને રિટેન કરી શકે છે, જેમાં 5 કેપ્ડ અને 2 અનકેપ્ડ પ્લેયર હશે. આનાથી ચેન્નાઈના રૂ. 120 કરોડના હરાજી પર્સ પર કોઈ ખાસ અસર નહીં પડે અને ધોની થોડી વધુ સીઝન માટે ‘યલો આર્મી’નો હિસ્સો રહી શકે છે. ધોની 2008થી ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે જોડાયેલો છે. તેણે ટીમને 5 વખત (2010, 2011, 2018, 2021 અને 2023) IPL ચેમ્પિયન બનાવી છે.
ધોનીનો IPL પગાર (2008 થી 2024 સુધી)
2008 થી 2010: રૂ. 6 કરોડ
2011 થી 2013: રૂ. 8.28 કરોડ
2014 થી 2017: રૂ. 12.5 કરોડ
2018 થી 2021: રૂ. 15 કરોડ
2022 થી 2024: રૂ. 12 કરોડ
IPLમાં MS ધોનીનું પ્રદર્શન
એમએસ ધોનીએ 2008થી 2024 દરમિયાન 264 આઈપીએલ મેચ રમી છે. તેણે 264 IPL મેચોમાં 137.54ના સ્ટ્રાઈક રેટથી 5243 રન બનાવ્યા છે. જેમાં 24 અડધી સદી સામેલ છે. તેણે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે 4669 રન બનાવ્યા છે. જ્યારે તેણે રાઇઝિંગ પુણે સુપરસ્ટાર માટે 574 રન બનાવ્યા છે.