હૈદરાબાદ : મુંબઇ ઇન્ડિયન્સના બેટ્સમેન કિરોન પોલાર્ડ પોતાની વિસ્ફોટક બેટિંગથી તો જાણીતો છે જ પણ કોઇ મુદ્દે મેદાન પર વિરોધ કરવાની તેની પદ્ધતિને કારણે પણ તે ચર્ચામાં રહે છે. રવિવારે અહીં ચેન્નઇ સુપર કિંગ્સ સામેની આઇપીએલની ફાઇનલમાં અમ્પાયર દ્વારા વાઇડ બોલ ન આપવામાં આવતા તે નિર્ણય સામે તેણે પોતાનો વિરોધ કરવાનો નોખો અંદાજ બતાવ્યો હતો.
અંતિમ ઓવરમાં પહેલો બોલ વઇડ બોલની ટ્રેમ લાઇનથી દૂર રહ્યો પણ અમ્પાયરે તે વાઇડ ન આપ્યો તે પછી બીજો બોલ પણ ટ્રેમ લાઇનથી બહાર રહ્યો તેને પણ અમ્પાયરે વાઇડ આપ્યો નહોતો. હકીકતમાં પોલાર્ડ ત્રણેય સ્ટમ્પ કવર કરીને ટ્રેમ લાઇનની ઘણી નજીક રહીને રમી રહ્યો હતો તેથી અમ્પાયરે વાઇડ આપ્યો નહોતો. અમ્પાયરના નિર્ણયથી નારાજ પોલાર્ડે પોતાની બેટ હવામાં ઉછાળી હતી.
તે પછીના બોલે પોલાર્ડે ગાર્ડ લીધો અને જ્યારે બ્રાવો બોલ ફેંકવા માટે રનઅપ પર દોડ્યો ત્યારે પોલાર્ડ ત્રણેય સ્ટમ્પ પાછળ છોડીને પિચના કોરાણે સ્ટાન્સ લઇને ઊભો રહ્યો અને આગળ ચાલવા માંડ્યો. તેને આમ કરતો જોઇને બ્રાવો બોલ ફેંકતા પહેલા જ ઊભો રહી ગયો. તે પછી અમ્પાયર્સે પોલાર્ડ પાસે જઇને તેને સમજાવ્યો હતો કે તે આવું ન કરી શકે. 2015માં પણ પોલાર્ડને મેદાન પર શાંત રહેવા અમ્પાયરોએ સલાહ આપી હતી તે સમયે પણ તે મોઢા પર ટેપ ચોંટાડીને રમવા માટે ઉતર્યો હતો.