KKR vs RR: રિયાન પરાગની તોફાની ઇનિંગ છતાં રાજસ્થાન 1 રનથી હાર્યું
KKR vs RR: આઈપીએલની એક રોમાંચક મુકાબલામાં કોલકાતા નાઈટ રાઇડર્સે રાજસ્થાન રોયલ્સને ફક્ત 1 રનથી હરાવીને એક મહત્વપૂર્ણ જીત હાંસલ કરી. આ જીત સાથે KKRએ પોતાની પ્લેઓફની આશા જીવંત રાખી છે. કોલકાતાએ પ્રથમ બેટિંગ કરતા 206 રન બનાવ્યા હતા, જેને રાજસ્થાન 205 રન સુધી જ પહોંચી શક્યું.
મેચ દરમિયાન રિયાન પરાગે શાનદાર 95 રન બનાવ્યા હતા. 45 બોલમાં 6 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી રમાયેલી આ ઇનિંગે રાજસ્થાનને આશાજનક સ્થિતિમાં પહોંચાડ્યું હતું. જો કે અંતિમ ક્ષણોમાં તેની વિકેટ પડતાં ટીમ જીતથી માત્ર એક રન દૂર રહી ગઈ. રાજસ્થાનને છેલ્લી 2 ઓવરમાં 33 રનની જરૂર હતી. 19મી ઓવરમાં આન્દ્રે રસેલે 11 રન આપ્યા, જેના કારણે છેલ્લી ઓવરમાં 22 રનની જરૂર રહી. છેલ્લા બોલે 3 રન બનવાની જરૂર હતી, પરંતુ ટીમ ફક્ત 1 રન બનાવી શકી.
રાજસ્થાન રોયલ્સની શરૂઆત ખુબ જ ખરાબ રહી હતી. 8 રનના સ્કોર પર જ 2 વિકેટ પડી ગઈ હતી. નવા ખેલાડીઓ વૈભવ સૂર્યવંશી અને કુણાલ રાઠોડ નોંધપાત્ર પ્રદર્શન કરી શક્યા નહીં. ધ્રુવ જુરેલ અને હસરંગા પણ નિષ્ફળ રહ્યા. પરંતુ રિયાન પરાગે મજબૂતીથી એક છેડો પકડી રાખ્યો અને શિમરોન હેટમાયર સાથે 92 રનની ભાગીદારી કરીને ટીમને મેચમાં પાછું લાવવાનો પ્રયાસ કર્યો. હેટમાયરે પણ 23 બોલમાં 29 રનનો યોગદાન આપ્યું.
હર્ષિત રાણાએ રિયાન પરાગને 18મી ઓવરમાં આઉટ કરીને મેચનું ચિત્ર બદલ્યું. અંતે KKRના બોલર્સે દબાણ બનાવી રાખ્યું અને મેચ પોતાના પલડે પાડી.