KL Rahul Record In England: 39 વર્ષ પછી રેકોર્ડ તૂટ્યો, કરુણ નાયર પણ 3006 દિવસ બાદ ટેસ્ટ મેદાનમાં ઉતર્યો
KL Rahul Record In England: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લીડ્સના હેડિંગ્લી ખાતે ચાલી રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં opener જોડી યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલે ઇતિહાસ રચ્યો છે. બંનેએ પ્રથમ વિકેટ માટે 91 રનની ભાગીદારી કરી, જે ઇંગ્લેન્ડની ધરતી પર ભારત તરફથી પ્રથમ ટેસ્ટમાં અત્યાર સુધીની સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી છે.
આ રેકોર્ડ તોડીને બંનેએ 1986માં સુનીલ ગાવસ્કર અને કે. શ્રીકાંતે બનાવેલી 64 રનની ઓપનિંગ ભાગીદારીને પાછળ મૂક્યો. આ મહત્વપૂર્ણ યોગદાનથી યશસ્વી અને રાહુલ હેડિંગ્લી પર ભારત માટે સૌથી મોટી ઓપનિંગ સ્ટેન્ડ આપનાર બેટ્સમેન બની ગયા છે.
રાહુલ અડધી સદી ચૂકી ગયો, પણ દીર્ઘકાળથી રાહ જોઈ રહેલા રેકોર્ડ તોડ્યા
રાહુલ ખૂબ જ સારી લયમાં હતો, તેણે 78 બોલમાં 8 ચોગ્ગાની મદદથી 42 રન બનાવ્યા હતા, પરંતુ તે અડધી સદી બનાવવામાં નિષ્ફળ રહ્યો. બ્રાયડન કાર્સેના બોલ પર સ્લિપમાં કેચ થઈને આઉટ થયો. તેમ છતાં, આ ભાગીદારી વિદેશ પ્રવાસમાં ભારત માટે પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં ચોથી સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી બની છે.
ભારતના વિદેશ પ્રવાસની પ્રથમ ટેસ્ટમાં ઓપનિંગ ભાગીદારીઓ (ટોચ-4)
283 – મુરલી વિજય & શિખર ધવન vs બાંગ્લાદેશ, 2015
160 – વીરેન્દ્ર સેહવાગ & આકાશ ચોપરા vs પાકિસ્તાન, 2004
117 – કેએલ રાહુલ & મયંક અગ્રવાલ vs દક્ષિણ આફ્રિકા, 2021
91 – યશસ્વી જયસ્વાલ & કેએલ રાહુલ vs ઇંગ્લેન્ડ, 2025
કરુણ નાયર 8 વર્ષ પછી મેદાનમાં પાછો ફર્યો
ટેસ્ટ ક્રિકેટમાં કરુણ નાયરની પણ વાપસી નોંધપાત્ર રહી. તેણે છેલ્લે 2017માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ રમી હતી. 3006 દિવસ બાદ એટલે કે લગભગ 8 વર્ષ પછી તેણે ફરી મેદાન પર પગ મૂક્યો છે. 2022માં કરુણે સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ દ્વારા વધુ એક તકની વિનંતી કરી હતી: “પ્રિય ક્રિકેટ, મને બીજી તક આપો.” અને હવે તે ફરી એક તક મેળવી ચૂક્યો છે.