વિરાટ કોહલીએ એશિયા કપમાં અફઘાનિસ્તાન સામે સદી ફટકારી છે. તેણે 33 મહિના બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારી છે. છેલ્લી સદી કોહલીએ 23 નવેમ્બર 2019ના રોજ બાંગ્લાદેશ સામે ફટકારી હતી. કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 83 ઇનિંગ્સ બાદ સદી ફટકારી હતી. આ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની 71મી સદી અને T20માં પ્રથમ સદી છે. અગાઉ, T20 આંતરરાષ્ટ્રીયમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 94* રન હતો.
કોહલી –
1020 દિવસ
બે વર્ષ, નવ મહિના, 16 દિવસ
33 મહિના, 16 દિવસ
145 અઠવાડિયા અને 5 દિવસ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારી.
કોહલીએ અફઘાનિસ્તાન સામે 53 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. તેણે 61 બોલમાં 122 રન બનાવ્યા હતા. કોહલીએ પોતાની ઇનિંગમાં 12 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 200 હતો. કોહલી દ્વારા રમાયેલી ઈનિંગ્સ T20 ઈન્ટરનેશનલમાં કોઈપણ ભારતીય બેટ્સમેન દ્વારા રમેલી સર્વશ્રેષ્ઠ ઈનિંગ્સ છે. તેણે આ મામલે રોહિત શર્માનો રેકોર્ડ તોડ્યો હતો. આ પહેલા રોહિતે T20 ઈન્ટરનેશનલમાં 118 રન બનાવ્યા હતા.
વિરાટ કોહલીએ અફઘાનિસ્તાન સામે સ્પિન બોલિંગ પર 33 બોલમાં 54 રન બનાવ્યા હતા. સ્પિન સામે તેનો સ્ટ્રાઈક રેટ 163.63 રહ્યો. કોહલીએ અફઘાનિસ્તાનના સ્પિનરો પર ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. સ્પિન સામે ટી-20 ઈન્ટરનેશનલમાં એક ઈનિંગમાં કોહલીના આ સૌથી વધુ રન છે.
કોઈપણ T20 એટલે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ, IPL અને ડોમેસ્ટિક T20માં આ કોહલીની સર્વશ્રેષ્ઠ ઈનિંગ પણ છે. આ પહેલા T20માં કોહલીએ 2016માં IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતા પંજાબ કિંગ્સ સામે 50 બોલમાં 113 રનની ઇનિંગ રમી હતી.
કોહલીએ 20મી ઓવરમાં બે સિક્સર અને એક ફોર ફટકારી હતી. ભારતે છેલ્લી ઓવરમાં 18 રન ઉમેર્યા હતા. જેના કારણે ભારતે અફઘાનિસ્તાન સામે 20 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 212 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી રહી હતી. સુકાની કેએલ રાહુલ અને કોહલીએ રોહિત શર્મા વિના ભારતીય ટીમને સારી શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 119 રન જોડ્યા હતા.
રાહુલ 41 બોલમાં 62 રન બનાવીને આઉટ થયો હતો. પોતાની ઇનિંગમાં રાહુલે છ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. આ પછી સૂર્યકુમાર યાદવ છ રન બનાવી શક્યો હતો. ત્યારબાદ કોહલીએ પંત સાથે ત્રીજી વિકેટ માટે અણનમ 87 રનની ભાગીદારી કરી હતી. પંત 16 બોલમાં 20 રન બનાવીને અણનમ રહ્યો હતો. અફઘાનિસ્તાન તરફથી ફરીદ અહેમદે બંને વિકેટ લીધી હતી.