23 માર્ચથી આઇપીએલ 2019ની શરૂઆત થઇ રહી છે. ત્યારે અહીં આપણે આઇપીએલ ફ્લેશબેક પર એક નજર નાખી લઇએ. આપણે વાત કરીશું આઇપીએલ 2012ની, આ એક એવી સિઝન છે કે જેમાં ઘણાં બોલરે જોરદાર પ્રદર્શન કર્યું હતું, જો કે આ બધા વચ્ચે પર્પલ કેપ કોના હાથે આવે તેના માટે બે બોલર વચ્ચે જબરદસ્ત હોડ મચી હતી.
2012ની સિઝનમાં સૌથી વધુ સફળતા મેળવનારા કુલ પાંચ બોલર રહ્યા હતા. જેમાં દિલ્હી ડેરડેવિલ્સનો મોર્ને મોર્કલ 16 મેચમાં 25 વિકેટ સાથે ટોપ પર રહ્યો હતો અને તેણે પર્પલ કેપ જીતી હતી, જો કે આ પહેલા મોર્કલ અને કોલકાતા નાઇટ રાઇડર્સના સુનીલ નરેન વચ્ચે પર્પલ કેપ મેળવવા માટે જોરદાર જંગ ચાલી હતી. સુનીલ નરેન 15 મેચમાં 24 વિકેટ સાથે બીજા ક્રમે રહ્યો હતો. એક મેચમાં મોર્કલ તો બીજી મેચમાં નરેન આગળ નીકળતો હતો અને તેમની સાથે જ મલિંગા પણ તેમની નજીકમાં જ રહેતો હતો. કોલકાતા નાઇટ રાઇડર્સ આ સિઝનમાં ચેમ્પિયન બન્યું હતું, અને એક મેચ ઓછી રમવા છતાં મોર્કલ જ પર્પલ કેપનો હકદાર બન્યો હતો.
આ બંનેની પાછળ મુંબઇ ઇન્ડિયન્સ વતી લસિથ મલિંગાએ પણ દોટ મુકી હતી અને તે 14 મેચમાં 22 વિકેટ સાથે ત્રીજા ક્રમે રહ્યો હતો.આ સિવાય દિલ્હી ડેરડેવિલ્સનો ઉમેશ યાદવ 17 મેચમાં 19 વિકેટ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો વિનય કુમાર 15 મેચમાં 19 વિકેટ સાથે ટોપ ફાઇવ બોલરમાં સામેલ થયા હતા.