નવી દિલ્હી : કેન્દ્ર સરકારે કોરોના વાયરસને કારણે દેશમાં જારી કરેલું લોકડાઉન 31 મે સુધી વધારવાની જાહેરાત કરી છે. ગૃહમંત્રાલયે લોકડાઉન 4માં શું ઉપલબ્ધ રહેશે અને શું બંધ રહેશે તે અંગે નવી માર્ગદર્શિકા (ગાઇડલાઇન્સ) જાહેર કરી છે. નવી માર્ગદર્શિકા મુજબ હવે સ્પોર્ટસ સંકુલ અને સ્ટેડિયમને ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.
સ્ટેડિયમ અને સ્પોર્ટસ સંકુલ ખુલશે
ગૃહ મંત્રાલયની નવી માર્ગદર્શિકા અનુસાર સ્ટેડિયમ ખુલશે, પરંતુ પ્રેક્ષકો વિના. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું વિશ્વની સૌથી ધનિક ટી 20 ક્રિકેટ લીગ આઈપીએલનો રસ્તો સાફ થઈ ગયો છે ? શું પ્રેક્ષકો વિના આઇપીએલનું સંચાલન થઈ શકે છે? જોકે હાલમાં ઉપલબ્ધ માહિતી અનુસાર રમતગમત સંકુલ અને સ્ટેડિયમ ફક્ત પ્રેક્ટિસ માટે ખોલવામાં આવ્યું છે.
તમને જણાવી દઈએ કે બીસીસીઆઈએ કોરોના વાયરસના રોગચાળાને કારણે આઈપીએલની 13 મી સીઝન અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી છે, પરંતુ બોર્ડ એક નવું શેડ્યૂલ તૈયાર કરવાની વિચારણા કરી રહ્યું છે. આઈપીએલ 2020 રદ થવાની સ્થિતિમાં 4,000 કરોડ રૂપિયાનું નુકસાન થશે.