ઝિમ્બાબ્વે વિરૂદ્ધ આગામી ત્રણ મેચની વન ડે સીરિઝ માટે બીસીસીઆઇએ ભારતીય ક્રિકેટ ટીમમાં મોટો બદલાવ કર્યો છે. ઝિમ્બાબ્વે વિરૂદ્ધ ટીમની જાહેરાત સમયે શિખર ધવનને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો કારણ કે રોહિત શર્માની સાથે અન્ય સીનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. જોકે, બીસીસીઆઇની મેડિકલ ટીમે કેએલ રાહુલનું આકલન કર્યુ છે અને તેને ઝિમ્બાબ્વેમાં આગામી ત્રણ મેચની વન ડે સીરિઝમાં રમવાની મંજૂરી આપી દીધી છે અને હવે ભારતીય પસંદગી સમિતીએ તેને ટીમનો નવો કેપ્ટન બનાવ્યો છે જ્યારે શિખર ધવનને વાઇસ કેપ્ટન બનાવ્યો છે.કેએલ રાહુલને પહેલા જ એશિયા કપ 2022માં ભારતીય ટીમની વાઇસ કેપ્ટન્સી સોપવામાં આવી છે. સ્પોર્ટ્સ હાર્નિયાની સર્જરીને કારણે લાંબા સમયથી તે ટીમની બહાર હતો.
તે આઇપીએલ 2022 બાદ દક્ષિણ આફ્રિકા સામે સીરિઝ અને ઇંગ્લેન્ડના પ્રવાસમાં બહાર હતો. તે બાદ કોવિડ-19ને કારણે વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ શ્રેણીમાં પણ ભાગ લઇ શક્યો નહતો.આ સીરિઝમાં સીનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. જેમાં વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ અને રિષભ પંત જેવા નામ સામેલ છે. હાર્દિક પંડ્યા અને મોહમ્મદ શમી પણ ટીમમાં નથી. ધવને તાજેતરમાં વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ વન ડે સીરિઝમાં ભારતીય ટીમની કેપ્ટન્સી કરી હતી અને કેરેબિયન ધરતી પર પ્રથમ વખત વન ડેમાં 3-0થી ક્લીન સ્વિપ કર્યુ હતુ.ઝિમ્બાબ્વે પ્રવાસ માટે વન ડે ટીમમાં ફાસ્ટ બોલર દીપક ચહરની વાપસી થઇ છે. તે આઇપીએલ 2022માં ઇજાગ્રસ્ત થયો હતો અને ત્યારથી ક્રિકેટથી દૂર હતો. આ સિવાય રૂતુરાજ ગાયકવાડ અને રાહુલ ત્રિપાઠી જેવા ખેલાડીઓની પણ વન ડે ટીમમાં વાપસી થઇ છે. ભારત ઝિમ્બાબ્વે પ્રવાસમાં 18થી 22 ઓગસ્ટ સુધી ત્રણ મેચની વન ડે સીરિઝ રમશે.3 વન ડે મેચ માટે ભારતની ટીમ: કેએલ રાહુલ (કેપ્ટન), શિખર ધવન (વાઇસ કેપ્ટન), રૂતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડ્ડા, રાહુલ ત્રિપાઠી, ઇશાન કિશન (વિકેટ કીપર), સંજૂ સેમસન (વિકેટ કીપર), વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, અવેશ ખાન, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ, દીપક ચહર