સતત ત્રણ મેચ હાર્યા પછી અફઘાનિસ્તાન સામેની મેચમાં વિજય મેળવનારી દક્ષિણ આફ્રિકાની ટીમ આવતીકાલે
અહીં ન્યુઝીલેન્ડ સામે મેદાને પડવાની છે ત્યારે તેમના માટે એક રાહતજનક સમાચાર એ આવ્યા છે કે તેમનો
સ્ટાર બોલર લુંગી એન્ગીડી ફિટ થઇ ગયો છે. ઝડપી બોલર લુંગી એન્ગીડીને 100 ટકા ફીટ જાહેર કરી દેવાયો છે.
લુંગી એન્ગીડી વર્લ્ડ કપની પહેલી મેચમાં રમ્યો હતો અને તે પછી હેમસ્ટ્રીંગ ઇન્જરીને કારણે તે બહાર જ રહ્યો છે.
ફિટનેસ પાસ કર્યા પછી એન્ગીડીએ કહ્યું હતું કે ઇજાગ્રસ્ત હોવાનું ક્યારેય સારું નથી હોતું. પણ મારી આસપાસ જે
સપોર્ટ સ્ટાફ છે તેમણે સારું કામ કર્યું છે અને હવે હું સારો થઇ ગયો છું, મે મારી ફિટનેસ ટેસ્ટ પાસ કરી છે અને
હવે હું રમવા માટે 100 ટકા ફિટ છું.દક્ષિણ આફ્રિકાએ પાંચ મેચમાંથી માત્ર એકમાં વિજય મેળવ્યો છે જ્યારે તે
ત્રણ મેચ હાર્યું છે અને એક મેચ વરસાદને કારણે ધોવાઇ ગઇ છે. તેના પાંચ મેચમાં 3 પોઇન્ટ છે. અને હાલના
તબક્કે તે પોઇન્ટ ટેબલમાં 8માં ક્રમે છે.