મુંબઈ : કોવિડ -19 થી સંક્રમિત લોકોની સંખ્યા વધી રહી છે. આને કારણે, મુંબઈ ક્રિકેટ એસોસિએશન (એમસીએ) એ પરિસ્થિતિ પર નજર રાખવાનો અને ક્રિકેટની પ્રવૃત્તિઓ ફરી શરૂ કરતા પહેલા રાહ જોવાનો નિર્ણય કર્યો છે. કોરોના વાયરસ રોગચાળાને લીધે, માર્ચના બીજા અઠવાડિયાથી મુંબઈમાં ક્રિકેટ સંબંધિત પ્રવૃત્તિઓ બંધ છે.
મુંબઈ આ રોગચાળાથી સૌથી વધુ અસરગ્રસ્ત ભારતીય શહેર છે જ્યાં 8 જૂન, સોમવારે કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યા 50,000 ની સપાટી વટાવી ગઈ છે. એમસીએની સર્વોચ્ચ સમિતિની સોમવારે બેઠક થઈ જેમાં કેટલાક સભ્યો વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડાયા.
સર્વોચ્ચ સમિતિના સભ્યએ પીટીઆઈને જણાવ્યું હતું કે ક્રિકેટ પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવાના મામલે અમે રાજ્ય સરકારની માર્ગદર્શિકાનું સખત પાલન કરીશું. અમે ફક્ત રાહ જોવા અને સંજોગો કેવી બદલાશે તે જોવા માંગીએ છીએ.
સભ્યએ કહ્યું કે, ‘હાલના તબક્કે સ્ટેડિયમમાં રમત ગમતની કોઈ પ્રવૃત્તિ રહેશે નહીં. અમે સ્ટેડિયમનું નવીનીકરણ કરીશું. ”એમસીએ ઓફિસ માર્ચથી બંધ કરવામાં આવી છે અને તે હાલમાં બંધ રહેશે.