Mohammed Shami ક્રિકેટર મોહમ્મદ શમીને મળી જાનથી મારી નાખવાની ધમકી, ક્રાઈમ બ્રાંચે શરૂ કરી તપાસ
Mohammed Shami ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શમીને ઇમેઇલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળતાં ક્રાઈમ બ્રાંચ હરકતમાં આવી છે. ધમકી આપનારાએ શમી પાસેથી રૂ. 1 કરોડની માંગણી કરી હતી અને રકમ ન ચૂકવવા પર જાનથી મારી નાખવાની ચીમકી ઉચ્ચારી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ અમરોહાની ક્રાઈમ બ્રાંચે તાત્કાલિક તપાસ શરૂ કરી છે.
Mohammed Shami આ ઘટનાની જાણકારી શમીના ભાઈ મોહમ્મદ હસીબે સ્થાનિક પોલીસને લેખિતમાં આપી હતી. માહિતી અનુસાર, શમીને પ્રથમ ઇમેઇલ 4 મેના રોજ સાંજે મળ્યો હતો, અને બીજો ઇમેઇલ 5 મેના રોજ સવારે પ્રાપ્ત થયો હતો. ઇમેઇલ કર્ણાટકના “પ્રભાકર” નામના એક શખ્સ તરફથી મોકલાયો હોવાનું આરોપ છે. ક્રાઈમ બ્રાંચે આ વ્યક્તિની ઓળખ કરવા અને ટેકનિકલ માધ્યમોથી માહિતી મેળવવા તત્કાલ કામગીરી શરૂ કરી દીધી છે.
અધિકારીઓએ શમીની સુરક્ષા વધારવા માટે તાત્કાલિક પગલાં લીધા છે. હાલ પોલીસ ઈમેઇલ ટ્રેકિંગ, IP ઍડ્રેસ અને પ્રભાકર નામના શખ્સ વિશે વિગતવાર તપાસ કરી રહી છે. તેમજ આવા સંદેશાઓ પાછળ કોઈ મોટું ષડ્યંત્ર છે કે નહીં તે તપાસવામાં આવી રહ્યું છે.
મહત્વપૂર્ણ છે કે મોહમ્મદ શમી હાલ IPL 2025માં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) માટે રમી રહ્યા છે. ટીમના કેપ્ટન પેટ કમિન્સ હેઠળ શમીનું પ્રદર્શન મજબૂત રહ્યું છે, પરંતુ ટીમના કુલ પરિણામો નબળા રહ્યા છે. હૈદરાબાદે અત્યાર સુધી રમેલી 10માંથી માત્ર 3 મેચ જીતી છે. તેમ છતાં, શમીના બોલિંગ સ્કિલ્સને કારણે ભારતીય ટીમમાં તેમનું સ્થાન અડગ છે અને તેઓ દુનિયાભરના બેટ્સમેન માટે ચિંતાનો વિષય રહ્યા છે.
ઘટનાની ગંભીરતા અને શમીના આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠાને જોઈને પોલીસની કામગીરી અને તપાસને ઝડપી બનાવવામાં આવી રહી છે. પ્રશંસકો અને ક્રિકેટ જગતમાંથી શમી માટે સહાનુભૂતિ અને સુરક્ષા વધારવાની માગ ઉઠી છે.