પોતાની વન ડે કેરિયરમાં લગભગ 200 વાર અન્ય બેટ્સમેનોને સ્ટમ્પિંગ કરીને આઉટ કરનાર મહેન્દ્ર સિંહ ધોની શનિવારે જાતે સ્ટમ્પિંગ આઉટ થયો હતો. વર્લ્ડ કપમા હાલની ભારતીય ટીમમાં સૌથી અનુભવી બેટ્સમેન ધોની પોતાની કેરિયરની આ 345મી મેચ રમી રહ્યો છે. સાઉધેમ્પ્ટનમાં અફઘાનિસ્તાન સામેની મચમાં ધોની 28 રન કરીને સ્ટમ્પિંગનો શિકાર બનીને પેવેલિયન ભેગો થયો હતો.
રાશિદ ખાનના બોલે ધોની મોટો ફટકો મારવા ગયો અને વિકેટકીપર ઇકરામ અલી ખિલે સ્ટમ્પિંગ કરવામાં મોડુ કર્યુ નહોતું. 52 બોલમાં 28 રન કરનાર ધોની આ સાથે પોતાની કેરિયરમાં માત્ર બીજીવાર સ્ટમ્પિંગ થયો હતો. આ પહેલા પણ ધોની વિશ્વ કપમાં જ સ્ટમ્પિંગ આઉટ થયો હતો. 2011ના વર્લ્ડ કપમાં ધોની વેસ્ટઇન્ડિઝ સામે 20 માર્ચના રોજ દેવેન્દ્ર બિશુના બોલે વિકેટકીપર ડેવન થોમસે સ્ટમ્પિંગ કર્યું હતું. ધોનીએ એ મેચમાં 30 બોલમાં 22 રન કર્યા હતા.