વિશાખાપટ્ટનમ : ચેન્નઇ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોની એક એવો કેપ્ટન છે જે પોતાની ટીમની નબળાઇઓ જણાવવામાં પાછી પાની નથી કરતો. દિલ્હી કેપિટલ્સ સામેની અહીં રમાયેલી બીજી ક્વોલિફાયરમાં પણ 6 વિકેટે તેની ટીમ જીતી તે છતાં ધોની પોતાની ટીમના બે સ્ટાર વિદેશી ખેલાડીઓ બાબતે ચિંતા વ્યક્ત કરવાની સાથે પોતાની નારાજગી દાખવી હતી.
ધોનીએ આ ચિંતા ઓપનીંગ પાર્ટનગ ફાફ ડુ પ્લેસિસ અને શેન વોટ્સનના શોટ સિલેક્શન બાબતે વ્યક્ત કરી હતી. આ બંનેએ જોકે મેચમાં અર્ધ સદી ફટકારી હતી અને બંનેએ 81 રનની ઓપનીંગ ભાગીદારી પણ કરી હતી અને તેમની ઇનિંગને કારણે જ ચેન્નઇ સુપર કિંગ્સની ટીમ 19મી ઓવરમાં 6 વિકેટે મેચ જીતી ગઇ હતી.
પોતાની શાનદાર ઇનિંગ છતાં આ બંને બેટ્સમેનો જે રીતે આઉટ થયા તે બાબતે ધોનીએ ચિંતા વ્યક્ત કરી હતી. બંને ખેલાડી
મોટા ફટકા મારવાના પ્રયાસમાં આઉટ થયા હતા. ડુ પ્લેસિસ મિસ ટાઇમ પુલ શોટ રમીને આઉટ થયો હતો જ્યારે શેન વોટ્સન લોંગ ઓન પર છગ્ગો ફટકારવાના પ્રયાસમા આઉટ થયો હતો. ધોનીએ કહ્યું હતું કે હું મારા ઓપનર પાસે નોકઆઉટ મેચમાં થોડા વધુ રન ઇચ્છતો હતો. જ્યારે રિક્વાયર્ડ રન રેટ 6થી નીચે હોય ત્યારે બોલરો પર હુમલો કરવાનું કોઇ કારણ નથી. તેણે કહ્યું હતું કે જ્યારે શરૂઆતનો અવરોધ પાર કરી લીધો હોય ત્યારે અંત સુધી ટકીને કેમ ન વધુ રન કરવામાં આવે. જો એમ થયું હોત તો તે વધુ સારું રહ્યું હોત.