હૈદરાબાદ : અહીંના રાજીવ ગાંધી સ્ટેડિયમ ખાતે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2019ની રોમાંટક બનેલી ફાઇનલમાં મુંબઇ ઇન્ડિયન્સે ચેન્નાઇ સુપરકિંગ્સને 1 રને હરાવી વિક્રમી ચોથી વાર ચેમ્પિયન બન્યું હતું. મુંબઇએ મુકેલા 150 રનનો પીછો કરતા ચેન્નાઇ સુપરકિંગ્સે 20 ઓવરના અંતે 7 વિકેટ ગુમાવીને 148 રન કર્યા હતા. અંતિમ ઓવરમાં ચેન્નઇએ મેચ જીતવા માટે 9 રનની જરરૂ હતી. ત્યારે પહેલા ત્રણ બોલમાં ચાર રન આવ્યા હતા અને તે પછી ચોથા બોલે બે રન લેવાના પ્રયાસમાં વોટ્સન રન આઉટ થયો હતો. તે પછી પાંચમાં બોલે શાર્દુલ ઠાકુરે બે રન લેતા અંતિમ બોલમાં વિજય માટે 2 જ્યારે ટાઇ માટે 1 રનની જરૂર હતી અને તે બોલે શાર્દુલ એલબીડબલ્યુ થતાં મુંબઇ એક રને મેચ જીતી ગયું હતું.
આ વિજયની સાથે જ મુંબઇ ઇન્ડિયન્સે છેલ્લા 7 વર્ષમાં આ ચોથું ટાઇટલ પોતાના નામે કરી દીધું છે અને આઈપીએલની સૌથી સફળ ટીમ બની ગઈ છે. આ પહેલા તે 2013, 2015 અને 2017માં ચેમ્પિયન બની હતી. મુંબઈની ટીમ 2017માં પણ રાઇઝિંગ પૂણે સુપરજાઇન્ટ્સ સામે 1 રને મેચ જીતી હતી.
150 રનનો પીછો કરતા ચેન્નાઇને 5 ઓવરમાં 62 રનની જરૂર હતી. ત્યારે લસિથ મલિંગાની 16મી ઓવરમાં 20 રન ફટકારીને વોટ્સન અને બ્રાવોની જોડીએ ચેન્નાઇ માટે રનરેટ સરળ કરી હતી. જોકે તે પછી બુમરાહે 17મી ઓવરમાં માત્ર 4 રન આપીને મેચને જીવંત રાખી હતી. 18 બોલમાં 38 રનની જરૂર અને મેચ કોઈ પણ બાજુ જઈ શકે તેમ હતી. ત્યારે વોટ્સને કૃણાલની 18મી ઓવરમાં 3 સિક્સ સહિત 20 રન લેતા ફરી એક વાર ધોનીની ટીમ બાજી મારી જશે તેમ જણાતું હતું.
12 બોલમાં 18 રનની જરૂર હતી અને રોહિત બુમરાહના હાથમાં બોલ આપ્યો હતો. તેણે પહેલા 5 બોલમાં માત્ર 5 રન આપ્યા હતા. જોકે છઠા બોલે ડી કોકે બાઈનો ચોક્કો આપતા ચેન્નાઇને અંતિમ ઓવરમાં 9 રનની જરૂર હતી. મલિંગાની ફાઇનલ ઓવરમાં ચોથા બોલે શેન વોટ્સન 80 રને રનઆઉટ થતા મુંબઈએ રાહતનો શ્વાસ લીધો હતો. ચેન્નાઇને 1 બોલમાં 2 રનની જરૂર હતી ત્યારે મલિંગાએ પ્રેસરમાં શાર્દુલ ઠાકુરને એલબીડબ્લ્યુ આઉટ કરીને મુંબઈને મેચ અને ટુર્નામેન્ટ જીતાડી હતી. જો કે હાર્દિક પંડ્યાને માત્ર એક જ ઓવર આપવા બાબતે ચાહકોમાં સવાલો ઉઠ્યા હતા. કારણકે હાર્દિકે એ ઓવરમાં માત્ર 3 રન જ આપ્યા હતા, છતાં તેને ફરી ઓવર ન અપાતા રોહિતનો એ નિર્ણય સવાલોના ઘેરામાં આવી ગયો હતો.