હૈદરાબાદ : રવિવારે અહીંના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યાથી આઇપીએલની બે ચેમ્પિયન ટીમ એવી મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ચેન્નઇ સુપર કિંગ્સ અને રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે ફાઇટ ટુ ફિનીશનો જોરદાર જંગ જામશે. બંને ટીમમાંથી ચેન્નઇ સુપર કિંગ્સ આ સાથે 8મીવાર ફાઇનલ રમશે, જ્યારે મુંબઇની ટીમ પાંચમીવાર ફાઇનલ રમશે. બંને ટીમ 3-3 વાર ચેમ્પિયન બની છે અને બંને ટીમ પાસે આઇપીએલ ટાઇટલનો ચોગ્ગો ફટકારવાની સરખી તક છે, ત્યારે ટાઇટલ વિજયનો એ ચોગ્ગો કોણ ફટકારશે તેના પર બધાની જ નજર છે.
પંરપરાગત હરીફ એવી બંને ટીમ ચોથી વાર ફાઇનલમાં બાથ ભીડશે
ફાઇનલમાં ચેન્નઇનો મુકાબલો પોતાના પરંપરાગત હરીફ એવા મુંબઇ ઇન્ડિયન્સ સાથે થશે. પરંપરાગત હરીફ એટલા માટે કહેવું પડે છે કે આ બંને વચ્ચે આ ચોથીવાર ફાઇનલ જંગ ખેલાશે. આ પહેલા બંને વચ્ચે રમાયેલી ત્રણ ફાઇનલમાંથી ચેન્નઇ એકવાર જ્યારે મુંબઇ બે વાર જીતી ચુકી છે. બંને વચ્ચે 2010માં રમાયેલી પ્રથમ ફાઇનલમાં ચેન્નઇએ મુંબઇને 22 રને હરાવીને ચેમ્પિયન બની હતી. તે પછી બંને ટીમ ફરી એકવાર 2013માં ફાઇનલમાં સામસામે આવી હતી અને તે સમયે મુંબઇએ ચેન્નઇને 23 રને હરાવીને પહેલીવાર ટાઇટલ પોતાના નામે કર્યું હતું. 2015માં ફરી એકવાર બંને ટીમો વચ્ચે ફાઇનલ જંગ રમાયો હતો અને તેમાં ફરી એકવાર મુંબઇએ ચેન્નઇને 41 રને હરાવીને ટાઇટલ જીત્યું હતું.
આઇપીએલની હાલની સિઝનમાં બંને ટીમ ચોથીવાર સામ સામે
આઇપીએલની 12મી સિઝનમાં ફાઇનલમાં પહોંચેલી બંને ટીમ ચોથીવાર ફાઇનલમાં તો બાથ ભીડવાની જ છે, પણ જો વાત હાલની સિઝનની જ કરવામાં આવે તો તેમાં પણ બંને ટીમ આ સાથે ચોથી વાર એકબીજા સામે આવી છે. આ પહેલા રમાયેલી બે લીગ મેચમાં મુંબઇ ઇન્ડિયન્સે ચેન્નઇને પ્રથમ લીગ મેચમાં 37 રને અને તે પછીની બીજી લીગ મેચમાં 46 રને હરાવ્યું હતું. તે પછી ફરી એકવાર બંને ટીમ આઇપીએલની પહેલી ક્વોલિફાયરમાં સામસામે આવી ત્યારે પણ મુંબઇએ ચેન્નઇને 6 વિકેટે હરાવ્યું હતું.
ચેન્નઇ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ બંને 3-3 વાર ચેમ્પિયન
ચેન્નઇની ટીમ આ પહેલા 2008, 2010, 2011, 2012, 2013, 2015 અને 2018 એમ 7વાર ફાઇનલ રમી ચુકી છે, જેમાંથી તે 2010 અને 2011માં સતત બે વાર ચેમ્પિયન બની હતી અને તે પછી ગત વર્ષે પ્રતિબંધમાંથી પાછા ફરીને તે 2018માં ફરી એકવાર ચેમ્પિયન બની હતી. તેની સામે મુંબઇ ઇન્ડિયન્સ 2010, 2013, 2015 અને 2017માં એમ 4 વાર ફાઇનલમાં પ્રવેશી હતી, જેમાંથી તે 2013, 2015 અને 2017 એમ 3 વાર ચેમ્પિયન બની હતી.