ટીમ ઇન્ડિયાએ ત્રણ મેચોની શ્રેણીમા પહેલી ટી-20માં શનિવારે વેસ્ટ ઇન્ડિઝની ટીમને 4 વિકેટે હાર આપીને શ્રેણીમાં 1-0થી સરસાઇ મેળવી હતી. આ મેચમાં મેન ઓફ ધ મેચ રહેલા ભારતના નવદીપ સૈનીએ પોતાનું ડ્રીમ ડેબ્યુ કરતા માત્ર 17 રન આપીને 3 વિકેટ લીધી હતી. તેણે નિકોલસ પુરન, હેટમાયર અને કેરોન પોલાર્ડની વિકેટ પોતાને નામ કરી હતી. પોતાની પહેલી જ મેચમાં શાનદાર બોલિંગ કરતા નવદીપ સૈનીએ પહેલી મેચમાં જ એક મેઇડન ઓવર ફેંકી હતી. રસપ્રદ વાત એ છે કે સૈનીએ ઇનિંગની છેલ્લી ઓવર મેડન ફેંકી હતી અને આ ઓવરમાં એક વિકેટ પણ મેળવી હતી.
સૈનીએ પોલાર્ડની વિકેટ લેતા જ ઇતિહાસ રચ્યો હતો. તેણે ટી-20 ઇન્ટરનેશનલમાં ડેબ્યુ કરતાની સાથે છેલ્લી ઓવર મેડન ફેંકીને એક વિકેટ લેનારો દુનિયાનો માત્ર બીજો બોલર બન્યો હતો. તેના પહેલા માત્ર સિંગાપુરના જનક પ્રકાશે ગત મહીને આઇસીસી ટી-20 વર્લ્ડ કપ એશિયા રિજનની ફાઇનલમાં કતરની સામે મેઇડન ઓવર ફેંકીને 1 વિકેટ લીધી હતી. જો કે ટેસ્ટ પ્લેઇંગ નેશન સામે આ રેકોર્ડ અત્યાર સુધી નોંધાયો ન હતો.