ન્યૂઝીલેન્ડની મસ્જિદ પર થયેલા આતંકી હુમલામાં માંડ માંડ બચેલા બાંગ્લાદેશી ક્રિકેટરો આમ તો શનિવારે રાત્રે સ્વદેશ પહોંચી જ ગયા હતા. પોતાની ઘરવાપસી થયા પછી પણ આ ખેલાડીઓ હજુ સુધી હુમલાની અસરમાંથી બહાર આવી શક્યા નથી અને સ્વદેશ પરત ફર્યા પછી તેમણે કહ્યું હતું કે તેમને સામાન્ય થતાં થોડો સમય લાગશે. બાંગ્લાદેશના એક આગળ પડતા અખબારે જણાવ્યા અનુસાર બાંગ્લાદેશી ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ નઝમુલ હસને કહ્યું છે કે ખેલાડીઓને થયેલો આ અનુભવ એવો ભયાવહ છે કે તેઓને ક્રિકેટમાંથી થોડા સમયના બ્રેકની જરૂર છે.
અખબારે કહ્યું હતું કે નઝમુલ હસને ખેલાડીઓને પોતાના પરિવાર સાથે સમય ગાળવા અને એ દિવસની ઘટનાને યાદ ન કરવાની સલાહ આપી છે. બાંગ્લાદેશના સીનિયર બેટ્સમેન તમીમ ઇકબાલે પણ કહ્યું હતું કે ખેલાડીઓને સામાન્ય થતાં હજુ સમય લાગશે. તેણે કહ્યું હતું કે અમે જે કંઇ જોયું તેમાંથી બહાર નીકળતાં અમને સમય લાગશે. એ સારી વાત છે કે અમે પરિવારની પાસે હેમખેમ પરત પાછા ફર્યા, કારણકે દરેકને ચિંતા હતી. મને એવી આશા છે કે મે આ ઘટનાને ઝડપથી ભુલી જઇશું.