વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં પોતાનું સ્થાન લગભગ પાકું કરી લેનારી ન્યુઝીલેન્ડની ટીમ સામે બુધવારે જ્યારે પાકિસ્તાનની ટીમ મેદાન પર ઉતરશે ત્યારે તેમને વિજયથી ઓછું કંઇ નહીં ખપે. પાકિસ્તાને જો સેમી ફાઇનલમાં પ્રવેશવું હોય તો તેણે પોતાની બાકીની તમામ મેચ જીતવી જરૂરી છે. આ સ્થિતિમાં બુધવારની મેચમાં તેણે ન્યુઝીલેન્ડ સામે જીતવું જ પડશે, જો એમ નહીં થાય તો માંડ માંડ ફોર્મમાં આવેલા ખેલાડીઓ હતાશ થઇ શકે છે.
આ મેચને ધ્યાને લઇએ તો મુકાબલો એવી બે ટીમ વચ્ચે છે જે બંને એકબીજાથી ભીન્ન છે. એક એવી ટીમ છે જેના પ્રદર્શન અંગે કોઇ આગાી કે ભવિષ્યવાણી કરી શકાય તેમ નથી અને બીજી એવી કે જે સતત સારું જ પ્રદર્શન કરી રહી છે. વર્લ્ડ કપ 2019માં પાકિસ્તાનનું પ્રદર્શન એવું જ રહ્યું જેના માટે તે જાણીતું છે, ક્યારેક નરમ તો ક્યારેક ગરમ એવી પાકિસ્તાનની સ્થિતિ હંમેશા રહેતી આવી છે.
વિલિયમ્સનની આગેવાની હેઠળની ન્યુઝીલેન્ડની ટીમ દરેક મોર્ચે અવ્વલ સાબિત થઇ છે. વળી પાકિસ્તાન માટે તેનો પડકાર એટલા માટે પણ અઘરો છે કે કીવી ટીમ હાલના વર્લ્ડ કપમાં એકપણ મેચ હારી નથી. વળી તેનો કેપ્ટન કેન વિલિયમ્સન જોરદાર ફોર્મમાં છે. પાંચ મેચમાં બે સદી અને એક અર્ધ સદી સાથે વિલિયમ્સને કુલ 373 રન બનાવ્યા છે. વળી ન્યુઝીલેન્ડના ઝડપી બોલરોનું પ્રદર્શન પણ જોરદાર રહ્યું છે. તેમાં લોકી ફર્ગ્યુસને 14 વિકેટ ઉપાડી છે, તો ટ્રેન્ટ બોલ્ટ અને મેટ હેનરી 8-8 વિકેટ ઉપાડી ચુક્યા છે.