રોજકોટમાં રમાયેલી બીજી ટી20 મેચમાં ન્યુઝીલેન્ડને શાનદાર પ્રદર્શન કરતા ભારતને 40 રને હરાવીને ત્રણ મેચની ટી20 સીરીઝ 1-1 ની બરોબરી પર આવી ગયું છે. કૉલિન મુનરોની આક્રમક સદી બાદ ટ્રેન્ટ બોલ્ટની ઘાતક બોલિંગની મદદથી રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડે ભારતીય ટીમને 40 રનથી હરાવ્યું હતું. પ્રવાસી ટીમના 2 વિકેટે 196 રનના લક્ષ્યનો પીછો કરતા ભારતીય ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 156 રન બનાવી શકી હતી. આ જીત સાથે પ્રવાસી ટીમે ત્રણ મેચની સિરીઝમાં 1-1ની સરસાઇ હાંસલ કરી છે. ત્રીજી અને નિર્ણયાક મેચ તિરુવનંતપુરમમાં સાત નવેમ્બરે રમાશે.
જ્યારે પ્રવાસી ટીમે આપેલા લક્ષ્યનો પીછો કરતા ભારતીય ટીમની શરૂઆત ઘણી જ ખરાબ રહી હતી. ટીમે 67 રનમાં ટૉચની 4 વિકેટ ગુમાવી હતી, જેના કારણે ટીમ મુશ્કેલીમાં મૂકાઇ હતી. રોહિત શર્મા 5, શિખર ધવન 1, શ્રેયસ ઐય્યર 23 અને હાર્દિક પંડ્યા 1 રન બનાવી આઉટ થયા હતા. ત્યાર બાદ કપ્તાન વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોનીએ લડાયક બેટિંગ કરી હતી. કોહલીએ 65, ધોનીએ 49, અક્ષર પટેલે 5, ભુવનેશ્વર કુમારે 2 અને જસપ્રીત બૂમરાહે 1 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી ટ્રેન્ટ બોલ્ટે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. જ્યારે મિશેલ સેન્ટનર, ઇશ સોઢી અને કૉલિન મુનરોએ 1-1 વિકેટ લીધી હતી.
પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 196 રન બનાવ્યા હતા. માર્ટિન ગુપ્ટિલે 41 બોલમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 45 રન, કપ્તાન કેન વિલિયમસને 12 રન અને ટોમ બ્રુસે 18 રન જ્યારે કૉલિન મુનરોએ 58 બોલમાં 7 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 109 રન બનાવ્યા હતા. માર્ટિન ગુપ્ટિલ અને મુનરો વચ્ચે પ્રથમ વિકેટ માટે 67 બોલમાં 105 રનની ભાગીદારી થઇ હતી. ભારત તરફથી ડેબ્યૂ મેચ રમી રહેલા મોહમ્મદ સિરાઝે 4 ઓવરમાં 53 રન આપી 1 વિકેટ લીધી હતી. ઉપરાંત યજૂવેન્દ્રે પણ 4 ઓવરમાં 36 રન આપી 1 વિકેટ લીધી હતી.