‘જે કોઈ આ દુનિયામાં જન્મ લે છે, તેનું મૃત્યુ પણ નિશ્ચિત છે’, આ કથન ગીતામાં લખાયેલુ છે. જો કે, એવું લાગે છે કે ટૂંક સમયમાં માણસો પણ એ પણ જાણી શકશે કે તેનું મૃત્યુ ક્યારે થશે. બદલાતી દુનિયા સાથે, માણસોને ટૂંક સમયમાં તેમના મૃત્યુની તારીખ મળવાનું શરૂ થઈ જશે.
ડેનમાર્ક સ્થિત ‘ટેક્નિકલ યુનિવર્સિટી ઓફ ડેનમાર્ક’એ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે એઆઇ પર આધારિત મૃત્યુની આગાહી તૈયાર કરી છે. આ મૃત્યુની આગાહી કરનાર વિશે દાવો કરવામાં આવ્યો છે કે તે વ્યક્તિના જીવનનો સમયગાળો ખૂબ જ ચોકસાઈથી કહી શકે છે. સરળ ભાષામાં, આ ટેકનોલોજી કહી શકે છે કે કોઈ વ્યક્તિ કેટલા વર્ષ જીવશે. એક રીતે, જે તે માણસની એક્સપાયરી ડેટ મળી જશે.
ચેટ જીપીટીના આધારે તૈયાર કરાયેલા આ નવા મોડલને ‘એઆઇ લાઈફ ૨ વેક’ સિસ્ટમ નામ આપવામાં આવ્યું છે. આ સિસ્ટમ આરોગ્ય, શિક્ષણ, વ્યવસાય અને આવક જેવી વ્યક્તિગત માહિતી લે છે અને પછી તેના આધારે વ્યક્તિના આયુષ્યની આગાહી કરે છે. જ્યારે ડેનિશ વસ્તીના ડેટાનો ઉપયોગ કરીને પરીક્ષણ કરવામાં આવે છે, ત્યારે તે સંપૂર્ણ ચોકસાઈ સાથે કામ કરે છે. પરીક્ષણ માટે, ૨૦૦૮ થી ૨૦૨૦ સુધીના ૬૦ લાખ લોકોના આરોગ્ય અને શ્રમના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આ દ્વારા એઆઇએ ૭૮% સાચો ડેટા દર્શાવ્યો છે.
ડેટ પ્રિડિક્ટર સિસ્ટમ પર કરાયા અભ્યાસ
‘એઆઇ લાઈફ ૨ વેક’ સિસ્ટમ પર યુનિવર્સિટીમાં ‘યુઝિંગ ધ સિક્વન્સ ઑફ લાઇફ ઇવેન્ટ્સ ટુ પ્રિડિક્ટ હ્યુમન લાઈફ’ નામનો અભ્યાસ હાથ ધરવામાં આવ્યો છે. આ અભ્યાસના મુખ્ય લેખક, સૂન લેહમેને કહ્યું હરું કે, ‘અમે દરેક વ્યક્તિના જીવનમાં બનતી ઘટનાઓનો ક્રમ તૈયાર કર્યો છે. આ પછી, ચેટજીપીટી પાછળની ટેક્નોલોજીનો ઉપયોગ આ ક્રમનું વિશ્લેષણ કરવા માટે કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું, ‘અમે એ હકીકતનો ઉપયોગ કર્યો કે અમુક સ્તરે માનવ જીવન ભાષા જેવું જ છે. જેમ શબ્દો વાક્યમાં એકબીજાને અનુસરે છે, તેવી જ રીતે માનવજીવનની ઘટનાઓ પણ એકબીજાને અનુસરે છે.’