ટી-20 વર્લ્ડ કપ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં રમાશે. આ માટે ટીમ ઈન્ડિયાની પસંદગી ક્યારે થશે તે અંગે મોટી માહિતી સામે આવી રહી છે. ઈનસાઈડસ્પોર્ટ મુજબ એશિયા કપના 4 દિવસ પછી 15 સપ્ટેમ્બરે પસંદગી સમિતિની મુંબઈમાં બેઠક થશે અને તે જ દિવસે ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની પસંદગી કરવામાં આવશે. આ પહેલા પસંદગીકારો એશિયા કપમાં રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાના પ્રદર્શનને પણ જોશે અને આ ટૂર્નામેન્ટમાં સારૂ પ્રદર્શન કરનાર ખેલાડીઓને ટીમમાં પસંદ કરવાનો મોકો મળશે.
તમને જણાવી દઈએ કે એશિયા કપની ફાઈનલ 11 સપ્ટેમ્બરે રમાશે. આનો અર્થ એ છે કે ટી-20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની પસંદગી યુએઈથી ખેલાડીઓના પરત ફર્યા બાદ થશે. ભારત T20 વર્લ્ડ કપમાં 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામેની મેચથી પોતાના અભિયાનની શરૂઆત કરશે.
ICCએ T20 વર્લ્ડ કપ માટે ટીમોની જાહેરાત કરવાની અંતિમ તારીખ 16 સપ્ટેમ્બર નક્કી કરી છે. દરેક ટીમ 15 સભ્યોની ટીમ જાહેર કરી શકે છે. ટુર્નામેન્ટમાં ભાગ લેનારી ટીમો 30 જેટલા સભ્યો સાથે પ્રવાસ કરી શકે છે. ખેલાડીઓ ઉપરાંત સપોર્ટ સ્ટાફના સભ્યો પણ આમાં સામેલ છે. કુલ 23 સભ્યો સત્તાવાર ટુકડીનો ભાગ હશે. તેમાં 15 ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના 8 સભ્યો સામેલ હશે.
22 ઓક્ટોબરથી સુપર-12 રાઉન્ડ યોજાશે
આ સિવાય સભ્ય દેશો પોતાના ખર્ચે ટૂર્નામેન્ટ માટે 7 વધારાના લોકોને લઈ શકશે. આ નિર્ણય કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. આ 7 સભ્યોમાં નેટ બોલર, સપોર્ટ સ્ટાફના વધારાના સભ્યોનો સમાવેશ થઈ શકે છે. ICCએ દરેક ટીમ માટે પોતાની સાથે એક ડોક્ટર લાવવાનું ફરજિયાત બનાવ્યું છે. T20 વર્લ્ડ કપનો ક્વોલિફાઇંગ રાઉન્ડ 16 ઓક્ટોબરથી શરૂ થશે જ્યારે સુપર-12 રાઉન્ડ 22 ઓક્ટોબરથી શરૂ થશે.
ટીમમાં રિપ્લેસમેન્ટ કેવી રીતે થશે?
15 સભ્યોની ટીમમાં બદલી પણ સ્વાસ્થ્યના કારણોસર જ શક્ય બનશે. જે ટીમ રિપ્લેસમેન્ટની માંગ કરશે, તેના માટે તેને ICC દ્વારા ગઠિત કમિટી પાસેથી મંજૂરી લેવી પડશે. 15 સભ્યોની ટીમમાં સામેલ ખેલાડીઓ જ વર્લ્ડ કપ રમવા માટે લાયક હશે.
ભારતની T20 વર્લ્ડ કપની ટીમ લગભગ ફિક્સ થઈ ગઈ છે
ભારતીય કેપ્ટન રોહિત શર્મા પહેલા જ કહી ચુક્યા છે કે T20 વર્લ્ડ કપ માટે 80-90 ટકા ટીમ નક્કી થઈ ગઈ છે. પરિસ્થિતિના આધારે ટીમમાં ત્રણ-ચાર ફેરફાર થઈ શકે છે. અત્યારે ટીમ ઈન્ડિયાએ એશિયા કપ રમવાનો છે અને તે પછી ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાથી ઘરઆંગણે શ્રેણી રમાશે. જસપ્રીત બુમરાહ અને હર્ષલ પટેલ ઈજાના કારણે એશિયા કપમાં રમી શકશે નહીં. આવી સ્થિતિમાં ટીમ મેનેજમેન્ટ દ્વારા તેમની ફિટનેસ પર પણ નજર રાખવામાં આવશે.
તે જ સમયે, ઓસ્ટ્રેલિયામાં ઝડપી બોલિંગની અનુકૂળ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને, મોહમ્મદ શમી પણ T20 ટીમમાં વાપસી કરી શકે છે. શમી ગયા વર્ષના T20 વર્લ્ડ કપ બાદથી T20 રમ્યો નથી. પરંતુ, મુખ્ય ઝડપી બોલરોની ઈજાને ધ્યાનમાં રાખીને શમીની ટી-20 વર્લ્ડ કપની ટીમમાં પસંદગી થઈ શકે છે.