હૈદરાબાદ : આઇપીએલ તેના અંત તરફ છે ત્યારે હવે ફાઇનલની રેસમાંથી આઉટ થઇ ચુકેલી સનરાઇઝર્સ હૈદરાબાદના ઓપનર ડેવિડ વોર્નરનો ઓરેન્જ કેપ પર કબજો રહેવાનું લગભગ નક્કી છે. વોર્નરના નામે 12 મેચમાં 692 રન નોંધાયેલા છે અને તેના આ જોરદાર પ્રદર્શનને કારણે જ સિઝન પુરી થવા પહેલા જ ઓરેન્જ કેપ પર તેનો જ કબજો રહેવાનું લગભગ નક્કી છે. જ્યારે પર્પલ કેપ માટે બે બોલર વચ્ચે સ્પર્ધા છે.
વોર્નરને પાછળ મુક્વો હવે કોઇ પણ બેટ્સમેન માટે અસંભવ
હવે જ્યારે હાલની સિઝનની માત્ર ફાઇનલ બાકી છે ત્યારે ડેવિડ વોર્નરથી આગળ નીકળવું કોઇપણ બેટ્સમેન માટે અશક્ય છે. હાલની સિઝનના ટોપ 11 બેટ્સમેનમાં એકમાત્ર ક્વિન્ટોન ડિ કોકની ટીમ મુંબઇ જ ફાઇનલમાં પહોંચી છે જ્યારે બાકીના બેટ્સમેનોની ટીમ આઉટ થઇ ગઇ છે. ડિ કોકના નામે પણ 500 રન જ છે, ત્યારે તે વોર્નરને પાછળ છોડી શકે તેવી કોઇ સંભાવના દેખાતી નથી. બીજા નંબરે બેઠેલા કિંગ્સ ઇલેવન પંજાબના કેએલ રાહુલના નામે 593 રન છે ત્રીજા ક્રમે શિખર ધવન 521 રન સાથે અને ચોથા ક્રમે 510 રન સાથે આન્દ્રે રસેલ છે. આ સ્થિતિમાં ઓરેન્જ કેપ વોર્નરની પાસે જ રહે તે નક્કી છે.
પર્પલ કેપની રેસ જીતવા માટે તાહિરને બે વિકેટની જરૂર
પર્પલ કેપની રેસમાં દિલ્હી કેપિટલ્સનો કગિસો રબાડા 25 વિકેટ સાથે પહેલા ક્રમે છે અને તેના પછી બીજા ક્રમે ચેન્નઇ સુપર કિંગ્સનો ઇમરાન તાહિર 24 વિકેટ સાથે છે. ઇમરાન તાહિરને પર્પલ કેપ જીતવા માટે ફાઇનલમાં બે વિકેટની જરૂર છે. આ યાદીમાં રાજસ્થાન રોયલ્સનો શ્રેયસ ગોપાલ 20 વિકેટ સાથે ત્રીજા તો ચેન્નઇનો દિપક ચાહર 19 વિકેટ સાથે ચોથા ક્રમે છે. તે પછી હૈદરાબાદનો ખલીલ પણ 19 વિકેટ ધરાવે છે. ફાઇનલમાં તાહિર પાસે રબાડાને પાછળ મુકીને પર્પલ કેપ જીતવાની તક છે.