શારજાહ : રવિવારે રાત્રે અહીં રમાયેલી ઓસ્ટ્રેલિયા પાકિસ્તાન વચ્ચેની બીજી વનડેમાં એરોન ફિન્ચની સતત બીજી સદીને પગલે ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 8 વિકેટે હરાવીને પાંચ મેચની સિરીઝમાં 2-0ની સરસાઇ મેળવી લીધી હતી. પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતાં મહંમદ રિઝવાનની સદીની મદદથી 7 વિકેટે 284 રનનો સ્કોર બનાવ્યો હતો. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ ફિન્ચની સદીની મદદથી માત્ર બે વિકેટના ભોગે 48મી ઓવરમાં લક્ષ્યાંક કબજે કરી લીધો હતો. ફિન્ચ સતત બીજીવાર મેન ઓફ ધ મેચ જાહેર થયો હતો.
પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યા પછી તેની શરૂઆત ફરી એકવાર ખરાબ રહી હતી અનેં ઇમામ ઉલ હક 00, શાન મસૂદ 19, પહેલી વનડેનો સદીવીર હેરિસ સોહેલ 34 અને ઉમર અકમલ 16 રન કરીને આઉટ થયા હતા. રિઝવાને પોતાની કેરિયરની પ્રથમ સદી ફટકારવની સાથે જ કેપ્ટન શોએબ મલિકની સાથે મળીને 127 રનની ભાગીદારી કરી હતી. રિઝવાન 115 અને મલિકની 60 રનની ઇનિંગના કારણે પાકિસ્તાન ખરાબ શરૂઆત છતાં 284 રનનો સ્કોર બનાવી શક્યું હતું.
285 રનના લક્ષ્યાંકના જવાબમાં ઓસ્ટ્રેલિયાની શરૂઆત જોરદાર રહી હતી અને ફિન્ચ તેમજ ખ્વાજાએ 209 રનની ઓપનીંગ ભાગીદારી કરી હતી. ખ્વાજા 88 રન કરીને આઉટ થયો હતો. ફિન્ચે પોતાની 13મી વનડે સદી ફઠકારીને 143 બોલમાં 11 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 153 રનની ઇનિંગ રમી હતી. ગ્લેન મેક્સવેલે 19 તો શોન માર્શે 11 રન કર્યા હતા. બંને ટીમ વચ્ચે સિરીઝની ત્રીજી વનડે હવે 27 માર્ચે અબુધાબીમાં રમાશે.