PAK vs BAN Test Series : શાન મસૂદની કપ્તાની હેઠળની પાકિસ્તાન ક્રિકેટ ટીમ બાંગ્લાદેશ સામે 21 ઑગસ્ટથી રાવલપિંડીના મેદાન પર ઘરઆંગણે 2-મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ રમશે. આ સીરીઝની શરૂઆત પહેલા પાકિસ્તાની ટીમને તેના મેચ વિનિંગ ઓલરાઉન્ડર આમર જમાલના રૂપમાં મોટો ફટકો પડ્યો છે, જે હવે પીઠના નીચેના ભાગે ઈજાના કારણે આ સમગ્ર શ્રેણીમાંથી બહાર છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ 19 ઓગસ્ટના રોજ આમિર જમાલને બાકાત રાખવાની માહિતી આપી હતી.
આમિર જમાલ મે મહિનાથી આ ઈજા સાથે સંઘર્ષ કરી રહ્યો છે
આમેર જમાલે તેની ટેસ્ટ કારકિર્દીની શરૂઆત ખૂબ જ સારી રીતે કરી હતી, જેમાં તેણે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર રમાયેલી 3 મેચની ટેસ્ટ શ્રેણીમાં કુલ 18 વિકેટ લીધી હતી. જો જમાલની ઈજા વિશે વાત કરીએ તો તે મે મહિનાથી તેની સાથે સંઘર્ષ કરી રહ્યો છે. જ્યારે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી માટે પાકિસ્તાની ટીમની જાહેરાત કરવામાં આવી હતી, તે જ સમયે કહેવામાં આવ્યું હતું કે જમાલને પ્લેઇંગ 11માં સામેલ કરવાનો નિર્ણય તેની ફિટનેસના આધારે લેવામાં આવશે. પહેલા એવું લાગતું હતું કે તે બીજી ટેસ્ટમાં વાપસી કરી શકે છે પરંતુ હવે તે આ સમગ્ર શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. આ શ્રેણીમાં પાકિસ્તાની ટીમમાં જમાલ એકમાત્ર ઝડપી બોલિંગ ઓલરાઉન્ડર હતો અને પીસીબીએ તેના સ્થાને બદલાયેલા ખેલાડીના નામની જાહેરાત કરી નથી.
પાકિસ્તાન પ્રથમ ટેસ્ટમાં ઝડપી બોલિંગ આક્રમણ સાથે પ્રવેશ કરી શકે છે
પાકિસ્તાને બાંગ્લાદેશ સામે શ્રેણીની બંને ટેસ્ટ મેચ રાવલપિંડીના મેદાન પર રમવાની છે. આમાં, ટીમ પ્રથમ ટેસ્ટમાં કોઈપણ સ્પિન બોલર વિના રમવાનું નક્કી કરી શકે છે. આ સ્થિતિમાં શાહીન આફ્રિદી અને નસીમ શાહ સિવાય મીર હમઝા, ખુર્રમ શહજાદ અને મોહમ્મદ અલીને પ્લેઈંગ 11માં જગ્યા મળી શકે છે. જ્યાં સુધી જમાલ સંપૂર્ણ રીતે ફિટ નહીં થાય ત્યાં સુધી તે લાહોરની નેશનલ ક્રિકેટ એકેડમીમાં રહેશે અને તેની ફિટનેસ પર કામ કરશે.