એશિયા કપના ‘સુપર ફોર’ તબક્કામાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની અત્યંત રોમાંચક મેચ બાદ મેદાનની બહાર બંને પડોશી દેશોના ચાહકો વચ્ચે ઘર્ષણ થયું હતું. અગાઉ, ગયા વર્ષે T20 વર્લ્ડ કપ અને 2019 ODI વર્લ્ડ કપ દરમિયાન પણ બંને દેશોના ચાહકો એકબીજા સાથે અથડાયા હતા.
મેચ બાદ વિવાદ થયો હતો
બુધવારે શારજાહમાં રમાયેલી મેચમાં વિવાદ વધી ગયો જ્યારે પાકિસ્તાનના બેટ્સમેન આસિફ અલીએ આઉટ થયા બાદ અફઘાનિસ્તાનના ઝડપી બોલર ફરીદ અહેમદને ફટકારવા માટે પોતાનું બેટ ઊંચુ કર્યું. આસિફની વિકેટ લીધા બાદ ફરીદ તેની નજીક આવીને જશ્ન મનાવી રહ્યો હતો. મેદાનની બહાર પણ બંને દેશના ચાહકો પોતાની ભાવનાઓ પર કાબુ રાખી શક્યા ન હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં ચાહકો સીટ ઉપાડીને એકબીજા પર ફેંકતા જોવા મળે છે.
પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી
‘ESPNcricinfo’ના સમાચાર મુજબ, શારજાહ પોલીસે અફઘાનિસ્તાનથી ઘણા પ્રશંસકોની અટકાયત કરી હતી પરંતુ કોઈની ધરપકડ કરવામાં આવી ન હતી. રિપોર્ટ અનુસાર, ‘ફિલ્ડ પર હાજર કેટલાક પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું કે આખી મેચ દરમિયાન ઘણી અરાજકતા જોવા મળી હતી. સ્ટેન્ડના એક ભાગમાંથી ખેલાડીઓ પર વસ્તુઓ ફેંકવામાં આવી હતી, જ્યારે મેચ બાદ સ્ટેડિયમની બહાર હિંસક અથડામણ થઈ હતી.
પીસીબીએ કાર્યવાહી કરી હતી
“પીસીબી ટૂંક સમયમાં આઈસીસી, એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી), અમીરાત ક્રિકેટ બોર્ડ (ઈસીબી), શારજાહ ક્રિકેટ કાઉન્સિલ અને ઈવેન્ટ આયોજકોને પત્ર મોકલશે, જેમાં પાકિસ્તાની ચાહકો સાથે મેચ પછીની ઘટનાઓ પર તેમની નારાજગી અને ચિંતા વ્યક્ત કરવામાં આવશે.” પીસીબીના સૂત્રએ જણાવ્યું.આ વિવાદ બાદ અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (એસીબી)એ પણ એક નિવેદન બહાર પાડ્યું છે.
“અફઘાનિસ્તાનની ટીમે હંમેશા તેમના શ્રેષ્ઠ પ્રદર્શન સાથે અફઘાન મૂલ્યોનું પ્રતિનિધિત્વ કર્યું છે. ક્રિકેટને વાસ્તવમાં ‘જેન્ટલમેન ગેમ’ તરીકે ઓળખવામાં આવે છે. અમે આશા રાખીએ છીએ કે અન્ય લોકો પણ રમત પ્રત્યેના જુસ્સા અને સમર્પણને માન આપશે અને બંને દેશો વચ્ચે પ્રેમ અને સંવાદિતા જાળવી રાખવાનો પ્રયાસ કરશે.