શાહિન આફ્રિદીની જોરદાર બોલિંગને કારણે 83 રનમાં 5 વિકેટ ગુમાવીને લથડી પડેલા ન્યુઝીલેન્ડને તે પછી 2 ઓલરાઉન્ડર જેમ્સ નિશમ અને કોલિન ડિ ગ્રાન્ડહોમે મળીને 132 રનની ભાગીદારી કરીને મુકેલા 238 રનના લક્ષ્યાંકને પાકિસ્તાને બાબર આઝમની નોટઆઉટ સદી અને હેરિસ સોહેલ સાથેની શતકીય ભાગીદારીની મદદથી 49.1 ઓવરમાં 4 વિકેટના ભોગે કબજે કરી લઇને મેચ 6 વિકેટે જીતી સેમી પ્રવેશની આશા જીવંત રાખી હતી.
238 રનના લક્ષ્યાંક સામે પાકિસ્તાનની શરૂઆત ખરાબ રહી હતી અને 19 રન બોર્ડ પર હતા ત્યારે તેમણે ફખર ઝમાનની વિકેટ ગુમાવી હતી. તે પછી સ્કોર 44 પર પહોંચ્યો ત્યારે બીજો ઓપનર ઇમામ ઉલ હક પણ આઉટ થયો હતો. બાબર આઝમ અને મહંમદ હાફિઝે મળીને તે પછી 64 રનની ભાગીદારી કરી હતી. હાફિઝ આઉટ થયો તે પછી બાબર આઝમ અને હેરિસ સોહેલ મળીને 126 રનથી વધુની ભાગીદારી કરીને ટીમના સ્કોરને 236 સુધી પહોંચાડ્યો ત્યારે સોહેલ 68 રન પર રનઆઉટ થયો હતો. જોકે તે પછી વિજય મેળવતા પાકિસ્તાનને કોઇ વાર લાગી નહોતી અને તેઓ 6 વિકેટે મેચ જીતી ગયા હતા.
શાહિન આફ્રિદીઍ જોરદાર બોલિંગ કરીને ન્યુઝીલેન્ડના ટોપ ઓર્ડરને ધ્વસ્ત કરી 3 વિકેટ ઉપાડી
કેન વિલિયમ્સને ટોસ જીતીને દાવ લેવાનો નિર્ણય કર્યા પછી ન્યુઝીલેન્ડની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. અને 13મી ઓવરમાં 46 રનના સ્કોર પર તેમના 4 બેટ્સમેન પેવેલિયન ભેગા થઇ ગયા હતા. બીજી ઓવરમાં જ માર્ટિન ગપ્તિલ આઉટ થયો અને તે પછી આફ્રિદીઍ જોરદાર સ્પેલ નાંખીને કોલિન મુનરો, રોસ ટેલર અને ટોમ લેથમને આઉટ કરી દીધા હતા. કેન વિલિયમ્સને ઍક છેડે ઊભા રહીને આ દરમિયાન 41 રનની ઇનિંગ રમી હતી પણ તે 27મી ઓવરમાં સ્કોર જ્યારે 83 રન હતો ત્યારે આઉટ થઇ જતાં ન્યુઝીલેન્ડને પાંચમો ફટકો પડ્યો હતો.
83 રનમાં પાંચ વિકેટ ગુમાવીને લથડી પડેલા ન્યુઝીલન્ડને નીશમ-ગ્રાન્ડહોમે 132 રનની ભાગીદારી કરી ઉગારી
અહીંથી ન્યુઝીલેન્ડના બે અોલરાઉન્ડર નિશમ અને ગ્રાન્ડહોમે બાજી સંભાળી હતી અને બંનેઍ છઠ્ઠી વિકેટની ભાગીદારીમાં 132 રન જોડીને ન્યુઝીલેન્ડને 200 પાર પહોંચાડ્યું હતું. ગ્રાન્ડહોમ 48મી ઓવરમાં અંગત 64 રન કરીને આઉટ થયો હતો. તે પછી જેમ્સ નીશમે મિચેલ સેન્ટનર સાથે 2.2 ઓવરમાં 22 રનની ભાગીદારી કરીને સ્કોરને 237 રન સુધી પહોંચાડ્યો હતો. નીશમ 112 બોલમાં 97 રન કરીને જ્યારે સેન્ટનર 5 રન કરીને નોટઆઉટ રહ્યા હતા. ન્યુઝીલેન્ડે અંતિમ 10 ઓવરમાં 85 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી આફ્રિદીઍ 3 જ્યારે આમિર અને શાદાબ ખાનને 1-1 વિકેટ મળી હતી.