પાકિસ્તાને લંડનના લોર્ડ્સના મેદાન પર ઇમામ ઉલ હક તેમજ ફખર ઝમાનની ૮૧ રનની ભાગીદારી ઉપરાંત બાબર આઝમની અર્ધસદી અને હેરિસ સોહેલની તોફાની 89 રનની ઇનિંગના પ્રતાપે મુકેલા 309 રનના લક્ષ્યાંક સામે દક્ષિણ આફિકા 9 વિકેટે 259 રન સુધી જ પહોંચતા પાકિસ્તાન 49 રને મેચ જીત્યું હતું.
દક્ષિણ આફ્રિકાની શરૂઆત સાવ ખરાબ રહી હતી અને હાશિમ અમલા બીજી ઓવરમાં જ આઉટ થઇ ગયો હતો. તે પછી ડિ કોક અને ડુ પ્લેસિસે 87 રનની ભાગીદારી કરી હતી. ડિ કોક 47 રન કરીને આઉટ થયો હતો. તે પછી વધુ બે વિકેટ ગુમાવતા દક્ષિણ આફ્રિકાનો સ્કોર 4 વિકેટે 136 રન થયો હતો. રેસી વાન ડેર ડુસેન અને મિલરે તે પછી 53 રનની ભાગીદારી કરી હતી. આ બંને આઉટ થયા તે પછી સમયાંતરે દક્ષિણ આફ્રિકા વિકેટ ગુમાવતું રહ્યું હતું અને અંતે 50 ઓવર પુરી થતાં 9 વિકેટે 259 રન સુધી જ પહોંચતાં પાકિસ્તાનનો 49 રને વિજય થયો હતો.
ટોસ જીતીને પ્રથમ દાવ લેવા ઉતરેલી પાકિસ્તાની ટીમને ઇમામ અને ફખરે 81 રનની ભાગીદારી કરીને સારી શરૂઆત અપાવી હતી જો કે આ બંને 44-44 રન કરીને ઇમરાન તાહિરનો શિકાર બન્યા હતા. તે પછી બાબર આઝમે પહેલા મહંમદ હાફિઝ સાથે 45 રનની અને હેરિસ સોહેલ સાથે 81 રનની ભાગીદારી કરી હતી, તે 80 બોલમાં 69 રન કરીને આઉટ થયો હતો. હેરિસ સોહેલે 59 બોલમાં 89 રનની ઇનિંગ રમીને પાકિસ્તાનના સ્કોરને સ્પીડ આપી હતી અને તેની ઍ ઇનિંગને કારણે પાકિસ્તાને અંતિમ 10 ઓવરમાં 91 રન બનાવ્યા હતા અને તેના કારણે તેઓ 7 વિકેટે 308 રનના સ્કોર પર પહોંચ્યા હતા.