આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ શરૂ થવા પહેલા વર્લ્ડ કપ માટે ભારત, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયાને પહેલાથી જ પ્રબળ
દાવેદાર ગણવામાં આવતા હતા. જો કે આ ત્રણમાંથી એક ઇંગ્લેન્ડ સામે સેમી ફાઇનલમાં પ્રવેશવાનો જ વાંધો
દેખાઇ રહ્યો છે. આવા સમયે પાકિસ્તાનની ટીમે દક્ષિણ આફ્રિકાને હરાવતાની સાથે જ પોતાના માટે સેમી ફાઇનલ
પ્રવેશની શક્યતા ખોલી નાંખી છે. પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ પછી જે નવા સમીકરણો ઊભા
થયા છે તેના કારણે ઇંગ્લેન્ડની મુશ્કેલી વધી છે અને હવે તેને એક પણ ભુલ ભારે પડી શકે છે.
પાકિસ્તાને દક્ષિણ આફ્રિકા સામે વિજય મેળવતા તેના 6 મેચમાં 5 પોઇન્ટ થયાં છે. હવે તેની ત્રણ મેચ બાકી છે
અને જો તે એ ત્રણેય મેચ જીતી જશે તો તેના 11 પોઇન્ટ થઇ જશે અને પોઇન્ટ ટેબલમાં પાકિસ્તાનથી ઉપર
રહેલી શ્રીલંકાની ટીમ પોતાની બાકીની મેચમાંથી એક મેચ પણ હારશે તો તેના પોઇન્ટ 10 થશે. જ્યારે
બાંગ્લાદેશની ટીમ પણ એક મેચ હારશે તો તેના પણ 10 પોઇન્ટ જ થશે. બાંગ્લાદેશ અને શ્રીલંકાએ પોતાની એક
મેચ ભારત સામે રમવાની છે અને તેમની સામે જીતવાનું તેમના માટે એક મુશ્કેલ ટાસ્ક છે. પાકિસ્તાને પોતાની
અંતિમ ત્રણ મેચમાં ન્યુઝીલેન્ડ, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ સામે રમવાનુ છે અને તેના માટે આ તમામ મેચ
કરો યા મરો સમાન રહેશે.
આ તરફ ઇંગ્લેન્ડની જે ત્રણ મેચ બાકી છે, તેમાં ઓસ્ટ્રેલિયા, ભારત અને ન્યુઝીલેન્ડ સામે તેણે રમવાનું છે. હવે
જો વર્લ્ડ કપના છેલ્લા 27 વર્ષના ઇતિહાસને ધ્યાને લેવામાં આવે તો ઇંગ્લેન્ડ આ 27 વર્ષમાં ભારત, ઓસ્ટ્રેલિયા
અને ન્યુઝીલેન્ડ સામે વર્લ્ડ કપમાં કદી જીતી શક્યું નથી. તેણે પોતાની બાકી બચેલી ત્રણેય મેચમાંથી બે મેચ
જીતવાની છે. જો કે તેની સામે જે ટીમો છે તેને ધ્યાને લેતા એવું લાગે છે કે તેના માટે આ ટાસ્ક અઘરો છે. જો તે
માત્ર એક જ મેચ જીતશે તો તે સેમી ફાઇનલ પહેલા જ વર્લ્ડ કપમાંથી આઉટ થઇ જશે. વળી પાકિસ્તાન પણ
ત્રણમાંથી એક મેચ હારશે તો તેના માટે પણ સેમી પ્રવેશ અઘરો બનશે અને આ સ્થિતિનો સીધો લાભ શ્રીલંકા
અથવા બાંગ્લાદેશમાંથી કોઇ એકને થઇ શકે છે.