ઇસ્લામાબાદ : પાકિસ્તાનના ક્રિકેટર ઉમર અકમલ પર ત્રણ વર્ષ માટે પ્રતિબંધ મુકાયો છે. હવે તે ક્રિકેટના કોઈપણ ફોર્મેટમાં રમી શકશે નહીં. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) એ સોમવારે (27 એપ્રિલ) તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ માહિતી આપી. પીસીબીની શિસ્ત પેનલના અધ્યક્ષ ન્યાયાધીશ (નિવૃત્ત) ફઝલ-એ-મીરાન ચૌહાણ દ્વારા ઉમર અકમલને ત્રણ વર્ષનો પ્રતિબંધ આપવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ઉમર અકમલ ઉપર ભ્રષ્ટાચારનો આરોપ હતો અને આ જ કેસમાં તેમના પર આ કાર્યવાહી કરવામાં આવી છે. ઉમર અકમલને પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ) માં ભાગ લેવાની શરૂઆતના એક દિવસ પહેલા પ્રતિબંધ મૂક્યો હતો. બાદમાં તે બહાર આવ્યું હતું કે અકમલ પર બુકીને મળવા અને મેચ ફિક્સ કરવા માટે વાતચીત કરવાનો આરોપ મૂકાયો છે.