ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઇસીસી)ના મુખ્ય કાર્યકારી ડેવ રિચર્ડસને કહ્યું છે કે વરસાદથી પ્રભાવિત વર્લ્ડ કપ મેચ માટે અલગથી રિઝર્વ ડે રાખવો ઍ ટૂર્નામેન્ટનો લાંબો સમયગાળો જોતા વ્યવહારિક રુપે અંસભવ છે. અત્યાર સુધી કુલ 3 મેચ ધોવાઇ ગઇ છે. જેમાં દક્ષિણ આફ્રિકા અને વેસ્ટઇન્ડિઝ વચ્ચેની મેચ 7.3 ઓવરની રમત પછી ધોવાઇ હતી, જ્યારે શ્રીલંકાની પાકિસ્તાન અને બાંગ્લાદેશ સામેની ઍમ બંને મેચ ટોસ થયા વગર ધોવાઇ ગઇ છે.
હવામાન વિભાગના રિપોર્ટ અનુસાર ઇંગ્લેન્ડમાં જૂનમાં સરેરાશથી બેવડો વરસાદ થઇ રહ્યો છે. રિચર્ડસને કહ્યું હતું કે આ સંપૂર્ણપણે કમોસમી વરસાદ છે. છેલ્લા બે દિવસમાં અહીં જે વરસાદ પડ્યો છે, તે આખા જૂનમાં પડતા સરેરાશ વરસાદ કરતાં ડબલ છે. બ્રિટનમાં જૂન મહિનાને સૌથી સુકો મહિનો ગણવામાં આવે છે. ગત વર્ષે 2018માં જૂનમાં માત્ર બે મિમી વરસાદ પડ્યો હતો. પણ હાલ છેલ્લા ૨૪ કલાકમાં જ દક્ષિણ પૂર્વ ઇંગ્લેન્ડમાં 100 મિમી વરસાદ થઇ ગયો.
તેમણે દરેક મેચ માટે ઍક દિવસ રિઝર્વ રાખવાના પ્રભાવ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે તેનાથી પીચની તૈયારી, ટીમની તૈયારી અને પ્રવાસના દિવસો, આવાસ અને સ્થળની ઉપલબ્ધતા, ટુર્નામેન્ટ સ્ટાફ સાથે જોડાયેલી બાબતો, અને મુખ્યરૂપે મેચ જોવા માટે કલાકોની મુસાફરી કરીને આવેલા દર્શકોને પણ અસર પડી શકે. સાથે જ તેમણે કહ્યું હતું કે રિઝર્વ ડેના દિવસે વરસાદ નહીં જ પડે તેની કોઇ ગેરન્ટી હોતી નથી.
બાગ્લાદેશના કોચ સ્ટીવ રોડ્સ રોષિત : જો માણસને ચંદ્ર પર મોકલી શકાય તો મેચનો રિઝર્વ ડે કેમ ન રખાય
બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચેની વર્લ્ડ કપની મેચ વરસાદે ધોઇ નાંખી તે પછી બાંગ્લાદેશના કોચ સ્ટીવ રોડ્સ રોષે ભરાયા હતા. તેમણે મેચ રદ થયા પછી પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે જો આપણે માણસને ચંદ્ર પર મોકલી શકીઍ તો મેચ માટે રિઝર્વ ડે કેમ ન રાખી શકીઍ. તેમના મતે મેચ માટે રિઝર્વ ડે રાખવા કોઇ રોકેટ સાયન્સનો ઉપયોગ નથી કરવાનો. જો સેમી ફાઇનલ અને ફાઇનલ માટે રિઝર્વ ડે રખાતો હોય તો લીગ મેચ માટે કેમ નહીં ઍવો સવાલ તેમણે કર્યો હતો.