ભારતીય ટીમના યુવા વિકેટકીપર ઋષભ પંતે કહ્યું હતું કે હું તુલના બાબતે નથી વિચારતો. ઍક ખેલાડી તરીકે હું ધોની પાસેથી શીખવા માગુ છું, તે મહાન ખેલાડી છે. હું નથી ઇચ્છતો કે લોકો મારી તુલના કરે પણ મારા ઇચ્છવાથી લોકો અટકવાના નથી. હું તેની પાસે તેની સાથે રહીને રમતને સુધારવાની અને જરૂરી તમામ બાબતો શીખવા માગુ છું. વનડે સિરીઝમાં નિષ્ફળ ગયા પછી પણ પંતે પોતાનો જુસ્સો ગુમાવ્યો નથી. તેણે કહ્યું હતું કે તે કેપ્ટન કોહલી અને દિગ્ગજ વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોની પાસેથી ઘણું બધુ શીખવાનો પ્રયાસ કરે છે.
પંતે કહ્યું હતું કે મે કોહલી ઍ ધોની પાસેથી શિસ્ત, પ્રેશરને ટેકલ કરવાની રીત અને અન્ય લોકોની ભુલમાંથી શીખીને પોતાની રમતને સુધારવા જેવી બાબતો શીખી રહ્યો છું. શીખવા માટે ઘણું છે અને હું સતત તેના માટેના પ્રયાસો કરી રહ્યો છું. ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સદી ફટકારનાર પ્રથમ ભારતીય વિકેટકીપર બનનારા પંતે કહ્યું હતું કે મે હાલ વર્લ્ડકપ બાબતે વધુ કઇ વિચાર્યુ નથી, કારણ અમે હાલ ભારતમાં રમીઍ છીઍ અને અહીંની પરિસ્થિતિ ઇંગ્લેન્ડની સરખામણીઍ અલગ છે.
તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝમાં ધોનીને અંતિમ બે વનડેમાં આરામ અપાયા પછી તેના સ્થાને ટીમમાં પંતનો સમાવેશ કરાયો હતો અને તે બેટિંગમાં કે વિકેટની પાછળ સારું પ્રદર્શન કરી શક્યો નહોતો અને તે બાબતે તેની ટીકા થઇ હતી અને લોકોઍ ધોનીની સરખામણીમાં તેને ઉતરતી કક્ષાનો ગણાવ્યો હતો.