India vs અફઘાનિસ્તાન: ટીમ ઈન્ડિયા હાલમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે જ્યાં બંને ટીમો વચ્ચે ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. આ પ્રવાસમાં ટીમ ઈન્ડિયાને ત્રણેય ફોર્મેટમાં ત્રણ અલગ-અલગ કેપ્ટન મળ્યા છે. ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની કમાન રોહિત શર્માના હાથમાં છે. હવે ટૂંક સમયમાં જ રોહિત શર્માનું ભવિષ્ય T20 ઈન્ટરનેશનલ ક્રિકેટને લઈને નક્કી થવા જઈ રહ્યું છે. ભારતીય ટીમને જાન્યુઆરી 2024માં અફઘાનિસ્તાન સાથે ટી20 સીરીઝ રમવાની છે, પરંતુ તે પહેલા સૌથી મોટો સવાલ એ છે કે ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કોણ કરશે.
હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ અને રુતુરાજ ગાયકવાડ હાલમાં ઈજાગ્રસ્ત છે અને આ ત્રણેય ખેલાડીઓ માટે અફઘાનિસ્તાન સામેની ટી-20 શ્રેણીમાં રમવું ઘણું મુશ્કેલ છે. જે બાદ હવે BCCI આ સિરીઝમાં ફરીથી રોહિત શર્માને કેપ્ટન્સી સોંપવા જઈ રહ્યું છે, જેને લઈને રોહિત શર્મા અને BCCI વચ્ચે ટૂંક સમયમાં વાતચીત થવા જઈ રહી છે. બીજી તરફ ટી20 ઈન્ટરનેશનલમાં ટીમના કેપ્ટન તરીકે BCCIની પહેલી પસંદ હજુ પણ રોહિત શર્મા છે.
રોહિત શર્માએ પણ કમબેકના સંકેત આપ્યા હતા
સેન્ચ્યુરિયન ટેસ્ટ પહેલા રોહિત શર્માએ સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાત કરતા કહ્યું હતું કે જો BCCI તેને T20 વર્લ્ડ કપ 2024માં રમવાનું વિચારી રહી છે તો તે ટીમ માટે તમામ ફોર્મેટમાં રમવા માટે તૈયાર છે. જ્યારે ટી-20 ક્રિકેટમાં ભારતીય ટીમનું સુકાની અથવા કેપ્ટન રહી ચૂકેલી ટીમના ત્રણેય ખેલાડીઓ ઈજાગ્રસ્ત છે, ત્યારે હવે BCCI સમક્ષ એકમાત્ર વિકલ્પ રોહિત શર્મા છે જે ટીમની કપ્તાની કરે.
મુખ્ય પસંદગીકાર અજીત અગરકર ટૂંક સમયમાં આ અંગે રોહિત શર્મા સાથે વાત કરવા જઈ રહ્યા છે. જે બાદ રોહિત શર્મા ફરી એકવાર T20 ઈન્ટરનેશનલમાં પણ ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરતો જોવા મળી શકે છે.
રોહિત શર્મા છેલ્લા એક વર્ષથી એકપણ T20 ઈન્ટરનેશનલ મેચ રમ્યો નથી. રોહિત છેલ્લે ટી-20 વર્લ્ડ કપ 2022માં ભારતીય ટીમની કેપ્ટનશિપ કરતો જોવા મળ્યો હતો. બીજી તરફ ચાહકો પણ ઈચ્છે છે કે રોહિત શર્મા ટી-20 ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરે.