જોહનીસબર્ગ : પ્રવાસી શ્રીલંકા અને યજમાન દક્ષિણ આફ્રિકા વચ્ચે અહી રમાયેલી ત્રીજી ટી-20 યજમાન ટીમે ડકવર્થ લુઇસ નિયમની મદદથી 45 રને જીતી લીધી હતી. પહેલા બેટિંગ કરતાં દક્ષિણ આફ્રિકાએ 20 ઓવરમાં બે વિકેટે 198 રન બનાવ્યા હતા. તે પછી વરસાદે અવરોધ નાંખ્યા પછી શ્રીલંકાને 17 ઓવરમાં 183 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. જેની સામે શ્રીલંકાની ટીમ 15.4 ઓવરમાં 137 રન બનાવી શકી હતી. 42 બોલમાં 77 રનની જોરદાર ઇનિંગ રમનારા ડુઆને ઓલિવરને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. જ્યારે 3 મેચમાં 139 રન કરનારા રિઝા હેન્ડ્રીક્સને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરાયો હતો.
લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ વતી નિરોશન ડિકવેલાએ આક્રમક ઇનિંગ રમી હતી અને તેના કારણે શરૂઆતની ચાર ઓવરમાં જ શ્રીલંકાના સ્કોરબોર્ડ પર 42 રન બોલતા હતા. જો કે પાંચમી ઓવરમાં પહેલી વિકેટ પડી તે પછી ઝડપથી રન કરવાના પ્રયાસમાં સમયાંતરે વિકેટ પડતી રહી હતી અને 10મી ઓવર સુધીમાં અડધી ટીમ પેવેલિયન ભેગી થઇ હતી. ઇસુરૂ ઉડાનાએ ફરી એકવાર બેટિંગ પાવર બતાવીને ઝડપથી 36 રન કરી દીધા હતા. તે પછી વરસાદે વિઘ્ન નાંખ્યું હતું અને તેના કારણે મેચ 17 ઓવરની કરવામાં આવી હતી. તે પછી શ્રીલંકાની બાકીની વિકેટો પણ ઝડપથી પેવેલિયન ભેગી થતા તેઓ 137 રને ઓલઆઉટ થયા હતા.