માજી ભારતીય દિગ્ગજ ખેલાડી સચિન તેંદુલકરે બેટ બનાવતી ઓસ્ટ્રેલિયન કંપની વિરુદ્ધ રોયલ્ટીનો કેસ કર્યો છે. આ કંપનીઍ સચિનનું નામ અને ફોટો પોતાની પ્રોડક્ટના પ્રચારમાં ઉપયોગમાં લીધા હતા અને તેન માટે તેમણે સચિન સાથે થયેલા કરાર અનુસાર 2 મિલિયન ડોલર મતલબ કે 14 કરોડ રૂપિયાની રોયલ્ટી ચુકવવાની હતી, પણ તે ન ચુકવાતા સચિને આ કેસ દાખલ કર્યો છે.
તેંદુલકરે કોર્ટમાં દાખલ કરેલા પોતાના કેસમાં કહ્યું છે કે સિડની સ્થિત સ્પાર્ટન સ્પોર્ટસ ઇન્ટરનેશનલે 2016માં પ્રમોશનલ સર્વિસ માટે મારા ફોટો, લોગો લગાવવા માટે સચિન બાય સ્પાર્ટનના નામથી સામાન અને કપડા વેચ્યા, તેના બદલામાં વાર્ષિક 1 મિલિયન ડોલર અર્થાત 7 કરોડ રૂપિયાનો કરાર થયો હતો. સચિનને આ કંપની દ્વારા ઍક પણ રૂપિયો અત્યાર સુધી ચુકવાયો નથી, તેથી તેણે કરાર પુરો કરી નાંખ્યો છતાં કંપની હજુ તેના નામ અને ફોટાનો ઉપયોગ કરે છે.