નવી દિલ્હી : દિગ્ગજ પાકિસ્તાની સ્પિનર સકલૈન મુસ્તાકે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીની પ્રશંસા કરી છે. સકલૈન અને ગાંગુલી ઘણી વખત એકબીજા સામે રમી ચૂક્યા છે અને હવે પૂર્વ પાકિસ્તાની સ્પિનર સકલૈને ગાંગુલી સાથે રમેલા દિવસોને યાદ કરતાં એક રમુજી સ્ટોરી કહી છે.
સકલૈને યુટ્યુબ પરના એક વીડિયોમાં કહ્યું છે કે, ‘જ્યારે ભારત ઇંગ્લેન્ડની મુલાકાતે હતું, ત્યારે હું સસેક્સ તરફથી રમતો હતો. ભારતીય ટીમની સસેક્સ સાથે ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચ હતી અને તે મેચમાં ગાંગુલી રમી રહ્યો ન હતો.
સકલૈને કહ્યું, ‘મને લાગે છે કે તે 2005-06ની વાત હતી. મારા બંને ઘૂંટણની સર્જરી થઇ હતી અને હું લગભગ 36 – 37 અઠવાડિયા સુધી પથારીમાં હતો.
પાકિસ્તાન તરફથી 49 ટેસ્ટ અને 169 વનડે મેચમાં અનુક્રમે 208 અને 288 વિકેટ લેનાર – ઓફ સ્પિનર સકલૈને કહ્યું, “હું સર્જરી પછી પાછો ફરી રહ્યો હતો અને સૌરવ તે મેચ જોવા આવ્યો હતો.” સસેક્સ બેટિંગ કરી રહી હતી અને સૌરવની નજર સસેક્સની બાલ્કની પર પડી.
સકલૈને વધુમાં કહ્યું, ‘ગાંગુલી ડ્રેસિંગ રૂમમાં આવ્યા અને મને કોફીની ઓફર કરી અને મારા ઘૂંટણ અને મારા પરિવાર અંગે મને ખબર – અંતર પૂછ્યા. પછી અમે વાત શરૂ કરી. તે લગભગ 40 મિનિટ સુધી મારી સાથે બેઠો અને આ સમય દરમિયાન તેણે મારું દિલ જીતી લીધું.’